નવસારી,
નવસારી શહેરમાં છેલ્લા અનેક સમયથી રખડતા ઢોરની સમસ્યાએ શહેરીજનોને રોડ રસ્તા પર ફરવું દુષ્કર કરી નાખ્યું છે. રસ્તા પર પસાર થવું જાણે જાેખમી બન્યું હોય તેમ અવારનવાર રખડતા ઢોરો રાહદારીઓને અડફેટે લઇને તેમને ઘાયલ કરી રહ્યા છે, ભુતકાળમાં એક વૃદ્ધને ગદર્ભની લડાઈમાં પગમાં ગંભીર ઈજા થતાં ઓપરેશન કરાવવાની ફરજ પડી હતી જેમાં વૃદ્ધના વકીલ પુત્રએ આ મામલે ફોજદારી કેસ કરતા ચીફ ઓફિસર અને તત્કાલીન સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પ્રેમચંદ લાલવાણી વિરુદ્ધ ટાઉન પોલીસ મથકમાં કેસ કર્યો હતો. ત્યારે ફરિવાર આજે સવારે ગાર્ડા કોલેજમાં T. Y બી.કોમનુ પેપર આપવા જઇ રહેલા વિશાલનું કાલીયાવાડી પાસે ઢોરની અડફેટે ઘાયલ થયા બાદ મોત નીપજ્યું હતું.
કલ્પાંત કરતી વિશાલની માતાએ રડતા કહ્યું હતું કે, મારા દીકરાએ સમગ્ર રાત વાંચ્યું હતું અને આજે તેનું બિઝનેસ એડમિનિસ્ટ્રેશન વિષયનું પેપર હતું જેને લઇને તે વહેલી સવારે બાઈક પર કોલેજ જવા નીકળ્યો હતો, પણ તેને ક્યાં ખબર હતી કે તેનું મોત કાલીયાવાડીના એ.બી સ્કૂલ પાસે તેની રાહ જાેઈ રહી છે. રખડતા ઢોર એકાએક તેને ટક્કર મારતા તે નીચે ફંગોળાયો હતો અને ઈજાગ્રસ્ત થતાં તેને તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં બેભાન અવસ્થામાં લાવવામાં આવ્યા હતો, જ્યાં સારવાર દરમિયાન તબીબોએ તેને મૃત ઘોષિત કર્યો હતો. પરિવારને જાણ થતા તાત્કાલીક પરિવાર સિવિલ દોડી આવ્યો હતો અને તેને મૃત જાેઈ તેમના ઉપર આભ તૂટી પડયું હતું.