બાળકની તસવીર પ્રતિકાત્મક છે
6 માસની ગર્ભવતી મહિલા પેટ્રોલ પંપના બાથરૂમમાં ગઈ ત્યારે અચાનક જ ડિલિવરી થઈ ગઈ હતી. જે બાદ મહિલા બાળકને પોતાની સાથે લઈ જવાના બદલે ડોલમાં નાખીને જતી રહી હતી.
હાઈલાઈટ્સ:
- મહેસાણાની મહિલા અમદાવાદમાં લગ્નપ્રસંગે આવી હતી.
- બાથરૂમમાં બાળક ફેંકી જનારી મહિલાને પોલીસે સીસીટીવી ફૂટેજની મદદથી શોધી.
- પોલીસે મહિલા સામે IPCની કલમ 318 હેઠળ ગુનો દાખલ કર્યો છે.
અમદાવાદ:
મહેસાણાની 6 મહિનાની ગર્ભવતી મહિલાએ મૃત બાળકને જન્મ આપ્યો. 35 વર્ષીય મહિલાએ ગાંધીનગર જિલ્લાના અડાલજમાં એક પેટ્રોલ પંપના બાથરૂમમાં મૃત બાળકને જન્મ આપ્યો હતો. બાળકના જન્મ બાદ મહિલા તેને બાથરૂમની ડોલમાં નાખીને જતી રહી હતી.
અડાલજ પોલીસના જણાવ્યા અનુસાર, આ ઘટના સોમવારે સવારે પ્રકાશમાં આવી હતી. જ્યારે સફાઈકર્મી બાથરૂમ સાફ કરવા ગયા ત્યારે તેમણે મૃત બાળક જોયું હતું અને પેટ્રોલ પંપના માલિક રાજેન્દ્રસિંહ તન્વરને જાણ કરી હતી. રાજેન્દ્રસિંહે પોલીસને જાણ કરી હતી. જે બાદ અડાલજ પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને તપાસ શરૂ કરી હતી. સીસીટીવી ફૂટેજ તપાસતાં પોલીસને જાણવા મળ્યું કે, એક મહિલા રવિવારે મોડી રાત્રે બાથરૂમમાં ગઈ હતી. તે ત્યાં આશરે અડધો કલાક જેટલો સમય રોકાઈ હતી અને પછી ગાડીમાં બેસીને જતી રહી હતી.
પોલીસે ફૂટેજ પરથી કારનો નંબર મેળવીને માલિકને શોધી કાઢ્યા છે. કાર માલિકે જણાવ્યું કે, તેમણે પોતાની ગાડી મહેસાણાના પરિવારને આપી હતી, જેઓ લગ્ન પ્રસંગમાં હાજરી આપવા અમદાવાદ આવ્યા હતા. વધુ તપાસ કરતાં પોલીસને મહેસાણાની 35 વર્ષીય મહિલાની ભાળ મળી જે 6 મહિનાની ગર્ભવતી હતી.
પોલીસે પૂછપરછ કરતાં આ મહિલાએ જણાવ્યું કે, તે બાથરૂમમાં લઘુશંકા માટે ગઈ હતી અને ત્યાં અચાનક જ બાળક બહાર આવી ગયું હતું. મહિલાના કહેવા મુજબ, તે ગભરાઈ ગઈ હતી અને ક્ષોભ અનુભવી રહી હતી માટે જ તેણે બાળકને ડોલમાં નાખ્યું અને ત્યાંથી જતી રહી હતી. પોલીસનું કહેવું છે કે, તેઓ મહિલાના દાવામાં કેટલું તથ્ય છે તેની તપાસ કરશે. હાલ તો મહિલા સામે ઈન્ડિયન પીનલ કોડ (IPC)ની કલમ 318 હેઠળ ગુપ્ત રીતે મૃતદેહનો નિકાલ કરીને બાળકના જન્મની વાત છુપાવા બદલ ગુનો દાખલ કર્યો છે.