પૂ. બાપુના વિચારોને બાળકોમાં આત્મસાત કરતી આંગણવાડી કાર્યકર બહેનો
વેશભૂષામાં બાળકોની ઉત્સાહભેર ભાગીદારી : સાફસફાઈ કરી આપ્યો સ્વચ્છતાનો સંદેશ
સાજીદ સૈયદ નર્મદા
રાજપીપલા, સોમવાર :-
મહાત્મા ગાંધીજીની ૧૫૪મી જન્મ જયંતિના અવસરે નર્મદા જિલ્લાના વિવિધ આંગણવાડી કેન્દ્રો ખાતે ભૂલકાઓમાં એકતા અને કરુણાની ભાવના ઉજાગર થાય તેમજ ગાંધીજીના વિચારો બાળકો માટે શીખ બને તેવા ઉમદા આશય સાથે આંગણવાડી કાર્યકર બહેનો દ્વારા વકૃત્વ સ્પર્ધા/વેશભૂષા તેમજ સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરવામાં આવ્યું હતું.
આંગણવાડી કાર્યકર બહેનોએ બાળકોને ગાંધીજીના વૈશ્વિક સ્તરે પ્રભાવ, કાર્યો અને વિચારો તેમજ સ્વચ્છતાના મહત્વ વિશે સહજ ભાષામાં સમજ પુરી પાડી હતી. આંગણવાડી કાર્યકર બહેનોએ વિવિધ આંગણવાડી કેન્દ્રો ખાતે બાળકોના સર્વાંગી વિકાસ અંગેનો ગ્રોથ ચાર્ટ તેમજ બાળકોની તંદુરસ્તી માટેના યોગ્ય પગલાં વિશે સમજ પુરી પાડીને સગર્ભા અને ધાત્રી માતાને પણ માર્ગદર્શિત કર્યા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે, ગાંધી જયંતિ નિમિત્તે આયોજિત કાર્યક્રમમાં બાળકોએ પણ ઉત્સાહભેર ભાગીદારી નોંધાવીને સાફસફાઈ કરીને જિલ્લાના નાગરિકોને સ્વચ્છતાનો સંદેશ આપ્યો હતો.