દાંતા,
દાંતા તાલુકાના ખાઈવાડ ગામની એક સગીરા ખેતીના કામ અર્થે ડીસાના વડાવળ ગામે રહેતા પોતાના મામાના ઘરે ગઈ હતી. એ સમયે જ સગીરાએ ધર્મનો બનાવેલો ભાઈ સહિત ત્રણ શખસે આવી તેને તેની “મા બીમાર થઈ ગઈ” હોવાનું કહી ઇકો કારમાં અપહરણ કરી અંબાજી, ઇડર તેમજ ગાંધીનગર લઈ જઈ એક માસથી વધુ સમય ગોંધી રાખી અવારનવાર દુષ્કર્મ ગુજારતા હતા. સગીરાએ પોતાના દુષ્કર્મી ધર્મના ભાઈ સહિત ત્રણ શખસ સામે ફરિયાદ નોંધાવી છે.
ખાઈવાડ ગામે રહેતી એક સગીરાએ ગામના જશવંતભાઈ જગાજી ઠાકોર નામના યુવકને પોતાનો ધર્મનો ભાઈ બનાવ્યો હતો અને છેલ્લા કેટલાક સમયથી રક્ષાબંધનના દિવસે ભાઈને રાખડી પણ બાંધી હતી, પરંતુ સમય જતાં બન્યું એવું કે ધર્મનો ભાઈ ભાઈ-બહેન વચ્ચેના સંબંધોને ભૂલી ગયો અને પોતાની ધર્મની બહેન તેના મામાના ઘરે ડીસાના વડાવળ ગામે ખેતીના કામ અર્થે ગઈ હતી. એ સમયે ૨૧ ફેબ્રુઆરીએ જશવંત સહિત ત્રણ શખસ સગીરાના મામાના ઘરે પહોંચી ગયા. તેણે તેની માતા બીમાર હોવાનું કહી તેની પાસે લઈ જવાનું કહી બળજબરીપૂર્વક એક ખાનગી કારમાં બેસાડી અપહરણ કરી વડાવળથી અંબાજી ખાતે લઇ ગયા હતા.
અંબાજીના એક ગેસ્ટ હાઉસમાં ધર્મનો ભાઈ જશવંત સગીરાને એક રૂમમાં લઇ ગયો અને તેની સાથે દુષ્કર્મ ગુજારી દીધું હતું. એ બાદ જસવંતે પોતાના મામાનો સહારો લઇ સગીરાને ઈડર અને એ બાદ ગાંધીનગર લઇ ગયો. ગાંધીનગર અક્ષરધામ નજીક એક ભાડાના રૂમમાં સગીરાને ગોંધી રાખી અને જશવંત અવારનવાર તેની સાથે દુષ્કર્મ ગુજારતો હતો. સગીરાએ બુધવારે ભીલડી પોલીસ મથકે પહોંચી તેની સાથે દુષ્કર્મ ગુજારનાર ધર્મનો ભાઈ જશવંત જગાજી ઠાકોર, દલપત દાદાજી ઠાકોર અને રણજિત વીરાજી ઠાકોર સામે ફરિયાદ નોંધાવતાં અત્યારે તો પોલીસે સમગ્ર મામલે ૩ શખસ સામે ગુનો નોંધ્યો હતો.