મુંબઈ,
બોલીવુડના દિગ્ગજ અભિનેતા દિલીપ કુમારને બુધવારે શ્વાસ લેવામાં તકલીફ હોવાને કારણે મુંબઈની હિન્દુજા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. હવે તેમની સ્થિતિ સુધારા પર છે, પરંતુ તે હજી પણ આઈસીયુમાં દાખલ છે. દિલીપકુમારની પત્ની સાયરા બાનોએ તેમની તબિયત વિશે માહિતી આપી છે અને એમ પણ કહ્યું, દિલીપ સાહેબને આજે રજા આપવામાં આવી નથી.
સાયરા બાનોએ કહ્યું, “દિલીપ કુમારની તબિયત હવે સ્થિર છે. તે હજી પણ આઈસીયુમાં છે. અમે તેમને ઘરે લઈ જવા માંગીએ છીએ, પરંતુ અમે ડૉક્ટરની મંજૂરીની રાહ જાેઈ રહ્યા છીએ.” થોડા દિવસ પહેલા પણ શ્વાસ લેવામાં તકલીફ થવાને કારણે દિલીપ સાહેબને મુંબઈની હિન્દુજા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં અહેવાલોમાં જાણવા મળ્યું કે તેમના ફેફસામાં પાણી ભરાઈ ગયું છે. જેના પછી તેમનું પ્લેયૂરલ એસ્પિરેશન કરીને ફેફસામાંથી પાણી કાઢવામાં આવ્યું હતું. દિલીપ સાહબના પ્રવક્તાએ ટ્વીટ કરીને આ માહિતી આપી હતી. દિલીપ કુમારના ફેફસામાંથી લગભગ ૩૫૦ મિલીલીટર ફ્લૂઈડ કાઢવામાં આવ્યું હતું. જે બાદ તેમનું ઓક્સિજનનું સ્તર પણ વધવા લાગ્યું હતું. તબિયતમાં સુધારો થતાં તેમને ૧૧ જૂને રજા આપવામાં આવી હતી. જે દિવસે દિલીપ સાહેબને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી, તે દિવસે હોસ્પિટલની બહારનો તેમનો ફોટો વાયરલ થયો હતો. ફોટામાં તે આંખો બંધ રાખીને સૂતા જાેવા મળ્યા હતા. જ્યારે પત્ની સાયરાજી તેમની સંભાળ લેતા હતા અને ક્યારેક પતિને કિસ કરતા હતા.
જ્યારે દિલીપ કુમારને શ્વાસ લેવામાં તકલીફ હોવાને કારણે ગત વખતે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, ત્યારે તેમના મોતની અફવાઓ ઉડવાનું શરૂ થઈ ગયુ હતું. ત્યારબાદ તેમની પત્ની સાયરા બાનોએ આ પોસ્ટ સોશિયલ મીડિયા પર શેર કરી હતી અને કહ્યું હતું કે દિલીપ સાહેબની તબિયત સુધરી રહી છે. અફવાઓથી દૂર રહો, તે સ્વસ્થ થઈ રહ્યા છે. એટલું જ નહીં તેમણે હોસ્પિટલમાંથી દિલીપ સાહેબની એક તસવીર પણ શેર કરી હતી.