(જયમીન ચૌહાણ)
દોઢથી બે ફૂટ જેટલું પાણી ભરાઈ જવાના કારણે અહીંના બાળકો શાળાએ પણ જઈ શકતા નથી અને ગૃહિણીઓ પોતાની જીવન જરૂરિયાત વસ્તુઓ લેવા માટે પણ બહાર જઈ શકતી નથી.
ગાંધીનગર,તા.૨૧
ગાંધીનગર જિલ્લાના દહેગામ શહેરમાં જોરાવર નગર વિસ્તારમાં છેલ્લા કેટલાય દિવસોથી મુખ્યમાર્ગ પર પાણી ભરાઈ જવાના કારણે સ્થાનિક લોકો પરેશાન થઈ રહ્યા છે. બે દિવસથી પડી રહેલા વરસાદને કારણે રસ્તા પર દોઢથી બે ફૂટ જેટલું પાણી ભરાઈ જતા લોકોને અવર-જવર કરવામાં ખૂબ જ મુશ્કેલી પડી રહી છે. આ સમસ્યાના હિસાબે અહીં રહેતા બાળકો શાળાએ પણ જઈ શકતા નથી. આ અંગે જ્યારે સ્થાનિક મહિલાઓ પોતાના પ્રશ્નો અંગે નગરપાલિકા ખાતે રજૂઆત કરવા ગઈ તે સમયે કચેરીમાં કોઈપણ જવાબદાર અધિકારી કે, કર્મચારી હાજર ન હોવાથી તેમને રજૂઆત કર્યા વિના પરત ફરવું પડ્યું હતું જેના કારણે પણ રોષમાં વધારો થયો હતો.
ગાંધીનગર જિલ્લાના દહેગામ શહેરમાં વોર્ડ નંબર ત્રણ જોરાવર નગર વસાહતમાં 150થી વધુ મકાનો આવેલા છે જ્યાં રહેતા રહીશો છેલ્લા ચારેક વર્ષથી ચોમાસા દરમિયાન રસ્તા પર પાણી ભરાઈ જવાની સમસ્યાથી પરેશાન છે. આ વર્ષે પણ વરસાદમાં તેઓ ખૂબ જ હાલાકી ભોગવી રહ્યા છે. તાજેતરમાં પડેલા વરસાદને કારણે જોરાવર નગરના મુખ્ય રસ્તા પર દોઢથી બે ફૂટ જેટલું પાણી ભરાઈ જતા સ્થાનિક લોકોને અવર-જવર કરવામાં ખૂબ જ મુશ્કેલી પડી રહી છે. બીજી તરફ દોઢથી બે ફૂટ જેટલું પાણી ભરાઈ જવાના કારણે અહીંના બાળકો શાળાએ પણ જઈ શકતા નથી અને ગૃહિણીઓ પોતાની જીવન જરૂરિયાત વસ્તુ લેવા માટે પણ બહાર જઈ શકતી નથી. આ અંગેની રજૂઆત કરવા માટે કેટલીક મહિલાઓ નગરપાલિકા કચેરી ખાતે પહોંચી હતી જ્યાં સાડા અગિયાર વાગ્યાનો સમય હોવા છતાં કોઈપણ જવાબદાર અધિકારી કે, કર્મચારી હાજર મળી આવ્યા ન હતા. જેથી રજૂઆત કરવા ગયેલી મહિલાઓમાં રોષ જોવા મળ્યો હતો.

તેમને પડતી મુશ્કેલી અંગે સ્થાનિક મહિલાઓએ જણાવ્યું હતું કે, “જોરાવર નગર વિસ્તારમાં મુખ્ય રસ્તા પર પાણી ભરાઈ જવાની સમસ્યાથી કંટાળેલી મહિલાઓ એકઠી થઈ હતી અને નગરપાલિકા હાય-હાય તેમજ નગરપાલિકા વિરુદ્ધ સૂત્રોચાર કરી પોતાનો રોષ ઠાલવ્યો હતો. આમ દહેગામના જોરાવર નગર વિસ્તાર જેવી પરિસ્થિતિ શહેરના અન્ય વિસ્તારોમાં પણ છે પરંતુ પાલિકાનું તંત્ર જાણે કુંભકરણ નિદ્રામાં સુઈ રહ્યું હોય તેવી પ્રતીતિ થઈ રહી છે.” (જોરાવર નગર વિસ્તારની સ્થાનિક મહિલા)