અમદાવાદ,
સમાજમાં પ્રવર્તતી ગેરસમજને પરિણામે ચામડીના રોગો પ્રત્યે જન-માનસમાં એક પ્રકારની ઘૃણા અથવા તો તિરસ્કારની ભાવના પ્રવર્તતી જોવા મળે છે. જેને કારણે સ્ત્રીઓને ઘણું સહન કરવું પડ્યું છે. પરિવારજનો ચામડીના રોગો પ્રત્યે હકારાત્મક અભિગમ કેળવે અને સમાજમાં જાગૃતિ આવે તે હેતુથી એક ખાસ પુસ્તિકા “ત્વચા-નારીના જીવન પર ચામડીના રોગોની અસર”નું પ્રકાશન કરવામાં આવ્યું છે. ત્રણ તજજ્ઞ ત્વચા નિષ્ણાતોનો સ્પર્શ પામીને આ પુસ્તિકા વાચકો સમક્ષ ગુજરાતી તેમ જ અંગ્રેજી ભાષામાં આવી છે.
આ સહિયારા પુરુષાર્થમાં વિશેષ યોગદાન બે મહિલાઓનું છે. ચામડીના રોગોના નિષ્ણાતો ડૉ. જીજ્ઞા પઢિયાર (આસિસ્ટન્ટ પ્રોફેસર, જી .સી.એસ હોસ્પિટલ) અને ડૉ. પૂજા અગ્રવાલ (આસિસ્ટન્ટ પ્રોફેસર, શારદાબેન હોસ્પિટલ)ને સિનિયર ત્વચાતજજ્ઞ ડૉ. નયન પટેલ (એસોસિએટ પ્રોફેસર, જી.સી.એસ હોસ્પિટલ)નો સહયોગ સાંપડ્યો છે. તજજ્ઞોએ સાથે મળીને એમની સારવાર લઈ ચૂકેલાં મહિલા ત્વચારોગીઓની વાતો અને વ્યથા અહીં રજુ કરી છે. આ ત્રણેય તબીબોની અનુભવકથાને ડૉ. મિલિન્દ તપોધને ગુજરાતીમાં અને ડો. સ્વાનમ ગંગોપાધ્યાયે અંગ્રેજી ભાષામાં સંકલિત અને સંપાદિત કરી છે. કોઢ, લોહીનો વા, કાલા કુંડાળા, ડાઘ, સિસ્ટમીક સ્ક્લેરોસિસ, લિમ્ફોમા, સોરાયસીસ, જાતીય શોષણ, શ્યામ ત્વચા જેવી તકલીફોને આ પુસ્તકમાં સુંદર રીતે આવરી લેવામાં આવી છે.
સ્ત્રી માનવસમાજની અને ઘરસંસારની ધરી છે. ચામડીના રોગોને કારણે સમાજમાં સ્ત્રીઓને ઘણું સહન કરવાની પરિસ્થિતિ ઊભી થાય છે. તેમાં સકારાત્મક બદલાવ લાવવાનો આ પુસ્તકના માધ્યમ દ્વારા નમ્ર પ્રયાસ કર્યો છે. દરેક સ્ત્રીને લગતી ચામડીની સમસ્યાઓ અને તેના અભિગમને આવરી લેતું આ પુસ્તક એમેઝોન, નવભારત સાહિત્ય મંદિરની વેબસાઈટ અને સ્ટોરમાં ઉપલબ્ધ છે. આ પુસ્તકનું વિમોચન જી.સી.એસ હોસ્પિટલનાં 2જી જૂનના રોજ કરવામાં આવ્યું હતું. આ નિમિત્તે, સ્ત્રીઓને ચામડીની તકલીફોની સમયસર તપાસ થઇ શકે તે હેતુથી GCS હોસ્પિટલમાં કોસ્મેટિક ડર્મેટોલોજી વિભાગમાં નિઃશુલ્ક સ્કિન એનાલિસિસનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ કોસ્મેટિક ડર્મેટોલોજી વિભાગમાં સ્કિન લેસર સારવાર, પીલીંગ, એન્ટી એજિંગ થેરેપી, લાખુ-ડાઘા દૂર કરવા, સ્કિન ટાઈટનિંગ/પિગમેન્ટેશન, હેર-ફોલ / હેર લોસ ટ્રીટમેન્ટ વગેરે નજીવા દરે ઉપલબ્ધ છે.