છેલ્લા એક વર્ષમાં ડ્રગ્સના કારોબારીઓ પર પોલીસે હલ્લાબોલ કર્યું છે જે તમામ ઓપરેશનો જગ જાહેર છે : હર્ષ સંઘવી
રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, ડ્રગ્સના વિષયમાં જ્યારે ગુજરાત પોલીસ ભારત અને પાકિસ્તાનની સીમા પર જઈ, ગોળીઓનો સામનો કરીને આટલા મોટા રેકેટ પકડે ત્યારે ભલે આપ એને અભિનંદન ન આપો પરંતુ આ જવાનોનું મોરલ તોડવાનું કામ કરનાર વ્યક્તિઓ ગુજરાતનું અહિત કરી રહ્યા છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, શું ડ્રગ્સ વેચનાર લોકો, પોલીસ સ્ટેશન પર સામેથી આવીને ડ્રગ્સ જમા કરાવી જાય છે ? ડ્રગ્સ સામેની આ લડાઈ અમારા માટે રાજનૈતિક વિષય નથી. દુનિયાભરમાં ડ્રગ્સ એક ફેશન બન્યું છે તેમાં ગુજરાતના યુવાનો ન સંડોવાય તે માટે તમામ દિશાએ એક સાથે કામગીરી ચાલે છે. આ દુષણથી થતું નુકશાન લોકજાગૃતિ થકી, દૂષણમાં સપડાયેલા યુવાનોને બહાર લાવવા માટેના પ્રયાસો દ્વારા, સોશિયલ મીડિયાના માધ્યમથી જાગૃતિ લાવવા જેવા તમામ વિષયો અને સાથે ડ્રગ્સના કાર્ટલ પર સખ્તાઈ જેવા પગલાં દ્વારા તમામ દિશામાં એક સાથે કામ કરીને ગુજરાતને અને દેશને આ દૂષણથી બચાવવાનું છે. આપણે સૌ જાણીએ છીએ કે દેશનું કયું રાજ્ય ડ્રગ્સનું કેપિટલ ગણાય છે અને ત્યાં શું હાલત છે અને ત્યાં કોની સરકાર છે.
ડ્રગ્સ બાબતે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની સરકારે કરેલી કામગીરી ખૂબ જ નોંધપાત્ર છે અને આ દિશામાં રાજ્ય સરકાર હજુ વધુ કડક રીતે કામ કરવા મક્કમ છે તેવું ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, ગઈ કાલે ગોપાલ ઇટાલિયા દ્વારા ડ્રગ્સ મામલે કેટલાક નિવેદનો કરાયા હતા. ત્યારે આ મામેલ હર્ષ સંઘવીએ પોતાનો પ્રત્યુતર આપ્યો હતો.