સુપ્રીમ કોર્ટ દસ દિવસમાં જવાબ આપવાનું કહ્યું, આગામી સુનાવણી ૧૧ જૂને
દેશમાં કોરોના વાયરસ (COVID-19)ની બીજી લહેર હવે કાબુમાં આવી રહી છે. પરંતુ મૃત્યુઆંક વધારે છે. કોરોનાને કારણે દરરોજ ૪,૦૦૦ કરતા વધુ લોકોના મોત થઈ રહ્યાં છે. કોરોનાથી મૃત્યુ પામનારા લોકોના ડેથ સર્ટિફિકેટ પર ફેફસા અને હૃદયની બીમારીથી મૃત્યુ થયું હોવાનું લખવામાં આવે છે. જેના પર સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને સવાલ કર્યો છે કે, ડેથ સર્ટિફિકેટ પર કોરોના શા માટે નથી લખતા? અને આવનારા દસ દિવસમાં આ વાતનો જવાબ આપવાનું કહ્યું છે. સુપ્રીમ કોર્ટે આજે એટલે કે સોમવારે સુનાવણી દરમ્યાન કેન્દ્ર સરકારને પ્રશ્ન કર્યો હતો કે, જે લોકોના કોરોના સંક્રમણના લીધે મોત થઈ રહ્યાં છે તેમના ડેથ સર્ટિફિકેટ પર કોરોનાથી મોત થયું એવું શા માટે નથી લખવામાં આવી રહ્યું? સાથે જ કોરોનાથી મૃત પામનાર વ્યક્તિ માટે જો સરકાર કોઈ યોજના લાવવાની હોય તો પછી તેવા લોકોના પરિવારેને તે યોજનાનો લાભ કઈ રીતે મળશે? તેમ પણ પુછવામાં આવ્યું છે. આ કેસમાં હવે આગળની સુનાવણી ૧૧ જૂનના રોજ થશે. સુપ્રીમ કોર્ટમાં એક આવેદન આપવામાં આવ્યું છે કે, જે લોકોનું કોરોનાને કારણે મૃત્યુ થયું છે તેના પરિવારજનોને ચાર લાખ રૂપિયાની આર્થિક સહાય કરવામાં આવે. વર્ષ ૨૦૧૫માં કેન્દ્ર સરકાર દ્વારા એક યોજના બહાર પાડવામાં આવી હતી. તે યોજના પ્રમાણે, જો કોઈ વ્યક્તિનું મૃત્યુ આપત્તિજનક બીમારીથી થયું હોય તો તેમના પરિવારને ચાર લાખ રૂપિયાની આર્થિક સહાય કરવામાં આવશે. જો કે, આ યોજના ગયા વર્ષે જ પુર્ણ થઈ ગઈ હતી. આવેદનકર્તાએ સુપ્રીમ કોર્ટ પાસે માંગણી કરી છે કે, સરકાર દ્વારા આ યોજનાને લંબાવવામાં આવે અને તે યોજનામાં કોરોના મહામારીને પણ સામેલ કરવામાં આવે. કોરોના એક આપત્તિજનક બીમારી કહેવાય જે સરકારે જ ઘોષિત કર્યું છે. જો આ યોજનાને વર્ષ ૨૦૨૦થી આગળ વધારવામાં આવે તો હજારો પરિવારોને ફાયદો થશે. કારણકે અનેક પરિવારોએ ઘરમાં કમાતી એક માત્ર વ્યક્તિને આ મહામારીમાં ગુમાવી છે અને તેમના પરિવાર પર આર્થિક સકટ મંડરાય રહ્યું છે. જો આ યોજનાને લંબાવવામાં આવે તો સૌથી મોટો પ્રશ્ન એ છે કે એવું કઈ રીતે સાબિત થાય કે તે વ્યક્તિનું મૃત્યુ કોરોનાને લીધે જ થયું છે? સુનાવણી કરનાર જજ જસ્ટિસ એમઆર શાહે કહ્યું કે, તેમણે પોતે જ જોયું છે કે કોરોનાથી મૃત પામનાર વ્યક્તિના ડેથ સર્ટિફિકેટ પર મરવાનું કારણ બીજું કંઈક લખવામાં આવે છે. ફેફસાની કે હૃદયની બીમારીથી મૃત્યુ થયું હોય તેમ લખવામાં આવે છે. પણ ખરેખર તો મૃત્યુ કોરોનાને લીધે થયું છે. કોરોનાથી મૃત્યુ પામનાર વ્યક્તિના ડેથ ર્સિફિકેટમાં કોરોના શા માટે નથી લખવામાં આવતું તેનો જબાવ આપવાનું આગામી દસ દિવસમાં કહેવામાં આવ્યું છે.