૧૨ ડિસેમ્બરથી હલચલ સક્રિય થતાં વાવાઝોડું ઓમાન તરફ ફંટાવાની શક્યતા
ગુજરાતનાં કેટલાક ભાગોમાં કમોસમી વરસાદ પડવાની સંભાવના
અમદાવાદ,
સમગ્ર ગુજરાતમાં કાતિલ ઠંડીનું મોજું ફરી વળ્યું છે. ગુજરાતમાં ઠંડીનું જાેર વધતાં લોકો ઠુંઠવાયા છે. કચ્છનું નલિયા રાજ્યનું સૌથી ઠંડુ શહેર બન્યું છે. નલિયાનું તાપમાન ૯.૨ ડિગ્રી નોંધાયું છે. તો અન્ય શહેરોની વાત કરીએ તો, પોરબંદરનું તાપમાન ૧૩.૪ ડિગ્રી નોંધાયું છે. રાજકોટ, ડીસા અને ભુજનું તાપમાન ૧૪ ડિગ્રી નોંધાયું છે. ગાંધીનગરનું તાપમાન ૧૫ ડિગ્રી નોંધાયું છે. જાે કે, આ વચ્ચે ગુજરાત પર વધુ એક આફત આવી રહી છે. મિચૌંગ વાવાઝોડાની અસર છેક ગુજરાત સુધી રહી. ત્યારે હવે બીજા બે વાવાઝોડા આવી રહ્યાં છે.
ડિસેમ્બર મહિનામાં અને જાન્યુઆરી મહિનાની શરૂઆતમાં વાવાઝોડાની આગાહી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી છે. અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું કે, ૧૧-૧૨ ડિસેમ્બરમાં દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં પશ્ચિમી વિક્ષેભની અસર હેઠળ હિમવર્ષાની શક્યતા છે. આ દિવસોમાં દિલ્હી સહિત ઉત્તર ભારતમાં આકરી ઠંડી અને કામોસમી વરસાદની શક્યતા છે. લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થતા ૧૧થી ૧૩ ડિસેમ્બરમાં ગુજરાતમાં પણ હાડ થીજવતી ઠંડી પડશે.
આજથી અરબી સમુદ્રમાં લો પ્રેશરના કારણે હલચલ શરુ થઈ ગઈ છે. ૧૨ ડિસેમ્બરથી હલચલ સક્રિય થઇ વાવાઝોડું ઓમાન તરફ ફંટાવાની શક્યતા છે. આ હલચલ ડિપ્રેશન સુધી જવાની શક્યતા છે. તેમણે કહ્યું કે, લઘુત્તમ તાપમાન ઉત્તર ગુજરાતમાં ૧૨ ડિગ્રીએ પહોંચવાની શક્યતા છે. ડિસેમ્બરના અંત સુધીમાં ગાત્રો થીજવતી ઠંડી આવી શકે છે. ૧૨ ડિસેમ્બર બાદ ઠંડી ઉત્તર ગુજરાત, માધ્ય ગુજરાતના ભાગો અને સૌરાષ્ટ્રમાં ગાત્રો થીજવતી ઠંડીની શક્યતા છે. ૧૬-૧૭ ડિસેમ્બર ઉત્તર પર્વતીય પ્રદેશમાં વેસટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતા ભારે હિમવર્ષાની શક્યતા છે.
આ ઉપરાંત અંબાલાલ પટેલે માવઠાની પણ આગાહી કરી છે. તેમણે કહ્યું કે, ૨૦ ડિસેમ્બર સુધીમાં ગુજરાતમાં પણ માવઠું આવવાની શક્યતા છે. ગુજરાતનાં કેટલાક ભાગોમાં માવઠાની શક્યતા દેખાઈ રહી છે. ૨૫ ડિસેમ્બરથી જાન્યુઆરીની શરૂઆત સુધીમાં ફરીથી મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાની શક્યતા છે, જેનાથી ગુજરાતના હવામાનમાં ફરી પલટો આવતા કમોસમી વરસાદ આવી શકે છે. આ દિવસોમાં પણ ગાત્રો થીજવતી ઠંડીની શક્યતા છે. ડિસેમ્બરમાં પાછલા સપ્તાહ અને જાન્યુઆરીમાં પણ એક સિસ્ટમ બનશે. ફરીવાર વાવાઝોડું આવાની શક્યતા વાવાઝોડું લો પ્રેસર બની શકે છે. અલ નિનોના કારણે સિસ્ટમ સક્રિય થશે.