ટેબ્લેટની માગ : આમ આદમી પાર્ટીની વિદ્યાર્થી પાંખે યુનિવર્સિટીના ગેટ અને દીવાલો પર ટેબ્લેટ આપવાના લખાણો લખ્યા
3 વર્ષ અગાઉ નાણાં લીધા પણ ટેબલેટ હજી સુધી ના આપ્યાં : આમ આદમી પાર્ટી
પાટણમાં આમ આદમી પાર્ટીની વિદ્યાર્થી પાંખ છાત્ર યુવા સંઘર્ષ સમિતિ દ્વારા હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના સત્તાધીશો સામે નમો ટેબ્લેટના વિતરણની માગ સાથે રાત્રિ દરમિયાન યુનિવર્સિટીના મુખ્ય ગેટ સહિત સમગ્ર દીવાલો ઉપર ટેબ્લેટ આપવાના લખાણ કરી ભીંતે ચિતરી આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો હતો. મુખ્ય ગેટ અને દીવાલો ચિતરતા યુનિવર્સિટીના સ્ટાફ દ્વારા સવારે લખાણ ઉપર કુચડા મારી હટાવવામાં આવ્યા હતા.
હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા 1 હજારમાં વર્ષ 2019-20માં સંલગ્ન કોલેજોના છાત્રોને ટેબલેટ આપવાં માટે રકમ લઈ સરકારમાં જમા કરાઈ હતી. 3 વર્ષ વીત્યા છતાં હજુ પણ હજારો છાત્રોને ટેબલેટ આપવામાં આવ્યાં ન હોવાની રાય સાથે આમ આદમી પાર્ટીની વિદ્યાર્થી પાંખ છાત્ર યુવા સંઘર્ષ સમિતિના કાર્યકરો દ્વારા વિરોધના ભાગ રૂપે ગુરુવારે અડધી રાત્રે યુનિવર્સિટીના મુખ્ય ગેટ તેમજ યુનિવર્સિટીની બંને તરફની દીવાલો અને કોલેજ રોડના અંડર ગ્રાઉન્ડ ગરનાળામાં કાળા રંગના સ્પ્રેથી મોટા અક્ષરોમાં યુનિવર્સિટી ટેબલેટ આપો ના લખાણો કરી ભીંતો ચિતરી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. વહેલી સવારે યુનિવર્સિટીના મુખ્ય ગેટ સહિત દીવાલો કાળા રંગથી ચિતરેલી જોતા સત્તાધીશોની સૂચનાનાં આધારે સિક્યુરિટી સ્ટાફ દ્વારા લખાણો ઉપર કૂચડા મારવામાં આવ્યા હતા.