અમે માણસો છીએ અને અમને અમારા કામનો પગાર મળવો જોઈએ. કમનસીબે કેબીએન ચૅનલમાં અમને પગાર નથી ચૂકવાયો. આ ચૅનલના માલિકોએ મને અને મારા જેવા સહકાર્યકરોને પગાર ચૂકવ્યો નથી.
આફ્રિકાના દેશ ઝામ્બિયાના ટીવી-દર્શકોને ગયા શનિવારે કેબીએન ટીવી ચૅનલનું ન્યુઝ બુલેટિન જોઈને આંચકો લાગ્યો હતો, કારણ કે એ બુલેટિન વાંચનારા કાબિંદા કાલિમિનાએ મુખ્ય સમાચાર વાંચ્યા પછી આગળ વાંચવાનું રોકીને દર્શકોને સંબોધીને કહ્યું કે ‘સજ્જનો અને સન્નારીઓ, આપણે જરા ન્યુઝ સિવાયની વાત કરીએ. અમે માણસો છીએ અને અમને અમારા કામનો પગાર મળવો જોઈએ. કમનસીબે કેબીએન ચૅનલમાં અમને પગાર નથી ચૂકવાયો. આ ચૅનલના માલિકોએ મને અને મારા જેવા સહકાર્યકરોને પગાર ચૂકવ્યો નથી.’
એ બનાવ પછી ચૅનલના સીઈઓ કેનેડી મામ્બ્વેએ સોશ્યલ નેટવર્કિંગ સાઇટ ફેસબુક પર એ ઘટનાને વખોડતાં લખ્યું હતું કે ‘ઍન્કર-ન્યુઝ રીડર દારૂના નશામાં હોવાથી એલફેલ બોલ્યો હતો. એક પાર્ટટાઇમ પ્રેઝન્ટર દારૂ પીધેલી હાલતમાં લાઇવ શોમાં કેવી રીતે હાજર થયો એની તપાસ કરવામાં આવશે.’ એના જવાબમાં ન્યુઝ-રીડર કાબિંદાએ કહ્યું કે ‘મેં દારૂ પીધો જ નહોતો. જો હું દારૂના નશામાં હોત તો શું મેં અગાઉના ત્રણ શોમાં બરાબર ઍન્કરિંગ કર્યું હોત? મેં મારી વ્યથા ઠાલવી છે. હા હું બોલ્યો, કારણ કે મોટા ભાગના પત્રકારો બોલતાં ડરે છે એનો અર્થ એવો નથી કે પત્રકારોએ બોલવું જ ન જોઈએ.’