મોહન ભાગવતને દિગ્વિજયસિંહનો સવાલ
ન્યુ દિલ્હી,તા.૮
આવતા વર્ષે યુપી, ઉત્તરાખંડ, પંજાબ સહિત ઘણા રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી થવાની છે. આ દરમિયાન રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રમુખ મોહન ભાગવતે ગંગા-જમુના તહજીબનો મુદ્દો ઉઠાવ્યો. સાથે જ હિંદુ-મુસ્લિમના ડીએનએને એક ગણાવી દીધુ. ત્યારબાદથી દેશભરની રાજનીતિ ગરમાઈ છે. સાથે જ હવે કોંગ્રેસના વરિષ્ઠ નેતા દિગ્વિજય સિંહે ભાગવત પર હુમલો કરીને તેમને ડીએનએ વિશે ઘણા સવાલ કર્યા છે.
મધ્ય પ્રદેશના સીહોરમાં મીડિયા સાથે વાત કરીને દિગ્વિજય સિંહે કહ્યુ કે જાે હિંદુઓ અને મુસલમાનોનુ ડીએનએ એક જ હોય તો ધર્મ પરિવર્તન વિરુદ્ધ કાયદાનો શું ફાયદો? લવ જેહાદ વિરુદ્ધ કાયદાનો શું ફાયદો? આનો અર્થ એ છે કે મોહન ભાગવત અને ઓવેસીનુ ડીએનએ એક જ છે. ત્યારબાદ તેમણે જ્યોતિરાદિત્ય સિંધિયાને કેન્દ્રીય મંત્રી બનવા પર અભિનંદન આપ્યા. સાથે જ કહ્યુ કે કેન્દ્રીય મંત્રીમંડળમાં કોણ આવશે એ પીએમ નક્કી કરે છે. એવામાં તે આના પર કોઈ ટિપ્પણી કરવા નથી માંગતા.