ભોપાલ,તા.૩૦
કોરોનાના કહેરની વચ્ચે કેટલાક લોકો માનવતાને ભુલીને ઓક્સિજન, રેમડેસિવિરના કાળાબજાર કરીને લોકોને લૂંટી રહ્યા છે તો કેટલાક લોકો એવા પણ છે જે લોકોની મદદ કરવા માટે પોતાનુ સર્વસ્વ ન્યોછાવર કરી રહ્યા છે.
ભોપાલના જ એક રીક્ષાચાલક જાવેદની વાત કરવામાં આવે તો તેણે કોરોનાના દર્દીઓને મદદ કરવા માટે પોતાની ઓટોરીક્ષાને એમ્બ્યુલન્સમાં ફેરવી નાંખી છે. જેમાં તેણે ઓક્સિજન સિલિન્ડર પણ રાખ્યો છે. સેનિટાઈઝરની સુવિધા પણ કરી છે. દર્દીઓ પાસેથી તે પૈસા પણ લેતો નથી, એમ પણ પહેલા તે દિવસના માંડ ૨૦૦ થી ૩૦૦ રુપિયા કમાતો હતો. તેની પાસે પૈસાની એવી ખાસ બચત પણ નહોતી. હવે ઓટો એમ્બ્યુલન્સનો ખર્ચ વધી જતા તેણે સેવા ચાલુ રાખવા પત્નીના ઘરેણા વેચી નાંખ્યા છે.
હાલમાં કોરોનાના દર્દીઓને હોસ્પિટલ જવા માટે એમ્બ્યુલન્સના પણ ફાંફા હોય છે. ગરીબો તો પૈસાના અભાવે પ્રાઈવેટ એમ્બ્યુલન્સ પણ મેળવી શકતા નથી. આ સંજાેગોમાં જાવેદ જે લોકોને એમ્બ્યુલન્સ નથી મળતી તેવા ગરીબોને પોતાની રીક્ષામાં હોસ્પિટલ લઈ જાય છે. જાવેદે કહ્યુ હતુ કે, હાલની મહામારીમાં લોકોની મદદ કરવી જ સૌથી મોટી માનવતાનુ કામ છે અને આ માટે જે પણ કરવુ પડે તે કરવા માટે હું તૈયાર છું.