Safeer News

Breaking News from Ahmedabad

ગુજરાત

જામનગર : નવજાત બાળકીને અઢી વર્ષ પછી મળ્યાં અમેરિકન માતા-પિતા

CARA (સેન્ટ્રલ એડોપ્શન રિસોર્સ ઓથોરિટી)ના માધ્યમથી અમેરિકાના શિકાગો ખાતે રહેતા સ્ટીવન વોઈટ અને શૈલી વોઇટે આ બાળકીને સ્વીકારવાની તત્પરતા દર્શાવી

જામનગર,તા.૧૧
આજથી અંદાજે અઢી વર્ષ પહેલા કોઈ અવાવરૂ સ્થળે કાંટાની વાડમાંથી જામનગર જિલ્લા પોલીસને એક નવજાત બાળકી મળી આવી હતી. જામનગર પોલીસે રાત-દિવસ એક કરી આ બાળકીના માતા પિતાની શોધ આદરી અને બાળકીના માતા-પિતા મળી આવ્યા ત્યારે તેઓએ બાળકીમાં શારીરિક ખોટ અને અન્ય સામાજિક કારણોસર તેને અપનાવવાનો ઇનકાર કરી દીધો હતો. જેથી પોલીસે બાળ કલ્યાણ સમિતિ જામનગરનો સંપર્ક કરતાં સમિતિના ચેરમેને કસ્તુરબા શ્રી વિકાસ ગૃહ ખાતે આ બાળકીને આશ્રય આપવાની વ્યવસ્થા કરી હતી.

બાળકીની શારીરિક ખોટ દૂર કરવા તેને જામનગરની જી.જી. હોસ્પિટલ ખાતે મોકલી અપાઈ હતી, જ્યાં જી.જી.હોસ્પિટલના તબીબોએ અંગત કાળજી લઈ આ બાળકીને પુનઃસ્વસ્થ કરવાની સાથે નવજીવન આપ્યું હતું. ત્યારબાદ CARA (સેન્ટ્રલ એડોપ્શન રિસોર્સ ઓથોરિટી)ના માધ્યમથી અમેરિકાના શિકાગો ખાતે રહેતા સ્ટીવન વોઈટ અને શૈલી વોઇટે આ બાળકીને સ્વીકારવાની તત્પરતા દર્શાવતા જિલ્લા કલેકટર બી.એ.શાહના આદેશ બાદ તમામ કાનૂની પ્રક્રિયાઓ પૂર્ણ કરી આ બાળકીને કલેક્ટરના હસ્તે દતક વિધાન થકી તેના વાલીને સોંપવામાં આવી હતી.

દત્તક વિધાન વેળાએ બાળકીને દત્તક લેનાર માતા શૈલી વોઈટે હર્ષ સાથે જણાવ્યું કે, સરકારના વિવિધ વિભાગોએ અમને આ સમગ્ર પ્રક્રિયા દરમિયાન ખૂબ સહકાર આપ્યો. જ્યાં જ્યાં જરૂર પડી ત્યાં અંગત રીતે અમારી ખૂબ મદદ કરી. તેમના આ સહકારને કારણે મારા દીકરાને એક બહેન અને અમને આજે એક દીકરી મળી છે અને જેના કારણે અમારો પરિવાર પરિપૂર્ણ થયો છે. અમારા જીવનમાં ખુશીઓ લાવનાર આ બાળકીનું અમે જીવની જેમ જતન કરીશું. પિતા સ્ટીવન વોઈટ જણાવે છે કે, આજે દુનિયામાં અનેક એવાં નિરાધાર બાળકો છે કે, જેમને વાલીની જરૂર છે જ્યારે અનેક એવાં દંપતી પણ છે કે, જેઓ સંતાન સુખથી વંચિત છે. ત્યારે આ પ્રકારની મદદ બંને માટે આશીર્વાદરૂપ છે. તેમ જણાવી બાળકીને યોગ્ય વાલી મળે અને ફરી તેનું જીવન મહેકી ઉઠે તે માટે જહેમત ઉઠાવનાર જિલ્લા વહીવટી તંત્ર જામનગર, જિલ્લા પોલીસ, બાલ કલ્યાણ સમિતિ, જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી, જિલ્લા બાળ સુરક્ષા અધિકારી તથા કસ્તુરબા સ્ત્રી વિકાસ ગૃહનો તેઓએ આભાર વ્યક્ત કર્યો હતો.

દત્તક વિધાન વેળાએ અધિક કલેક્ટર બી.એન.ખેર, નાયબ પોલીસ અધિક્ષક ઝાલા, બાળ કલ્યાણ સમિતિના ચેરમેન હર્ષિદાબેન પંડ્યા તથા સમિતિના સભ્યો, જિલ્લા બાળ સુરક્ષા અધિકારી આર.જે.શિયાર, કસ્તુરબા સ્ત્રી વિકાસ ગૃહના પ્રમુખ કરશનભાઇ ડાંગર તથા કર્મચારીઓ, ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સના અધિક્ષક સ્વિટીબેન જાની, ખાસ દત્તક સંસ્થાના ઉર્વીબેન સીતાપરા તથા કર્મચારી ગણ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *