નીતીશ કુમારને આ ઘટના વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે જે વિસ્તારમાં આ ઘટના બની ત્યાં રહેતા લોકોની જાતિ અને ધર્મ વિશે જણાવ્યું
બેગુસરાય ગોળીબારમાં માર્યા ગયેલા અને ઘાયલોની જાતિ અને ધર્મ જણાવવા પર સીએમ નીતીશ કુમાર ભાજપના નિશાના પર આવી ગયા છે. ભાજપે નીતીશને પૂછ્યું છે કે, “શું જ્યારે મુસ્લિમો મરશે ત્યારે જ તેમને દુઃખ થશે ?”
વાસ્તવમાં, મંગળવારે બેગુસરાયમાં બછવારા, તેઘરા, ફુલવારિયા અને ચકિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં કથિત મોટરસાયકલ સવાર અપરાધીઓએ ગોળીબાર કર્યો હતો. આ ઘટનામાં ચંદન કુમાર નામના એક વ્યક્તિનું મોત થયું હતું જયારે અન્ય 9 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. જ્યારે બીજા દિવસે મુખ્યમંત્રી નીતીશ કુમારને આ ઘટના વિશે પૂછવામાં આવ્યું તો તેમણે જે વિસ્તારમાં આ ઘટના બની ત્યાં રહેતા લોકોની જાતિ અને ધર્મ વિશે જણાવ્યું. તેમણે સમગ્ર ઘટનાને ક્યાંકને ક્યાંક કાવતરું ગણાવ્યું હતું.
નીતીશે કહ્યું હતું કે, ‘આ ગુનાને અંજામ આપનારે જાણી જોઈને આ કામ કર્યું છે. એક તરફ જ્યાં ગડબડ થઈ છે ત્યાં બધા પછાત વર્ગના છે અને એક તરફ જ્યાં હંગામો થયો છે તે બધા મુસ્લિમ સમુદાયના છે. અમે અધિકારીઓને કહ્યું છે કે, ગમે તે રીતે આની તપાસ કરે.’
ભાજપના નેતા અને કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહે મૃતકો અને ઘાયલોની જાતિ અને ધર્મ જણાવવા પર નીતિશ કુમાર પર પ્રહારો કર્યા છે. ગિરિરાજે નીતિશને પૂછ્યું કે શું આ ઘટનામાં કોઈ મુસ્લિમનું મૃત્યુ થશે તો જ તેમને દુઃખ થશે? ગિરિરાજે કહ્યું કે, જંગલરાજમાં મુસ્લિમોને ગોળી મારવામાં આવે તો નીતિશ બાબુને દુઃખ થાય છે, સત્તામાં બેઠેલા ધૃતરાષ્ટ્રને સામાન્ય બિહારીઓના જીવની ચિંતા નથી.
કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે, બુધવારે મીડિયા સાથે વાત કરતા નીતીશ કુમારે કહ્યું હતું કે ગત સપ્તાહે જ બિહારમાં કાયદો અને વ્યવસ્થાને લઈને એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ હતી અને તમામ અધિકારીઓને કાયદો અને વ્યવસ્થાને મજબૂત કરવા સૂચના આપવામાં આવી હતી, પરંતુ તેના પછી પણ બેગુસરાય જેવી મોટી ઘટના બનવાથી સરકાર અને પોલીસ પ્રશાસન પર સવાલો ઉભા થાય છે. બેગુસરાય ઘટનાને લઈને મુખ્યમંત્રી નીતિશ કુમાર પર પણ સવાલો ઉઠી રહ્યા છે કારણ કે ઘટનાના 40 કલાકથી વધુ સમય વીતી જવા છતાં પણ ગુનેગારો પોલીસની પકડથી બહાર છે.
ગુનેગારોને પકડવા માટે જિલ્લા પોલીસની સાથે હવે એસટીએફને પણ આ સમગ્ર મામલાની તપાસ સોંપવામાં આવી છે, પરંતુ હજુ સુધી તેમને પણ કોઈ સફળતા મળી નથી. આ દરમિયાન, જિલ્લા પોલીસે ચાર શંકાસ્પદ ગુનેગારોની ધરપકડ કરી છે, જેઓ આ ઘટનામાં સંડોવાયેલા હોઈ શકે છે. તેની તસવીર આસપાસના જિલ્લાઓની પોલીસ સાથે શેર કરવામાં આવી છે. જેથી તેમની ધરપકડ કરી શકાય.
બેગુસરાય ડીઆઈજીએ ગુનેગારોને પકડવા માટે 50,000 રૂપિયાના ઈનામની પણ જાહેરાત કરી છે. ડીઆઈજી સત્યવીર સિંહે કહ્યું છે કે, જે કોઈ શંકાસ્પદ ગુનેગારોની ધરપકડ કરવામાં મદદ કરશે તેને સરકાર ઈનામ આપશે.