જમ્મૂ,તા.૧૬
ઈઝરાયલ અને પેલેસ્ટાઈન વચ્ચે ચાલી રહેલા સંઘર્ષે હવે યુદ્ધનું સ્વરૂપ ધારણ કરી લીધું છે. સમગ્ર વિશ્વના લોકોનું ધ્યાન આ યુદ્ધ પર કેન્દ્રીત થયું છે ત્યારે જમ્મુ કાશ્મીરમાં આ સંઘર્ષનો તણખો જાેવા મળ્યો હતો. જમ્મુ કાશ્મીરમાં પોલીસે પેલેસ્ટાઈનના સમર્થનમાં પ્રદર્શન કરી રહેલા લોકોની ધરપકડ કરી છે.
શ્રીનગર પોલીસે વિરોધ પ્રદર્શન કરી રહેલા ૨૦ લોકોની ધરપકડ કરી હોવાનું નિવેદન આપ્યું હતું. શ્રીનગર પોલીસે ડીએમ એક્ટની કલમ ૫૧ અંતર્ગત કોરોના કફ્ર્યુના ઉલ્લંઘનના આરોપસર ૨૦ લોકોની ધરપકડ કરી છે. શ્રીનગરમાં શુક્રવારે પેલેસ્ટાઈન મુદ્દે ૨ વિરોધ પ્રદર્શનો થયા હતા. વિરોધ પ્રદર્શન દરમિયાન કરવામાં આવેલી વીડિયોગ્રાફીના આધારે પ્રદર્શનકર્તાઓની ધરપકડ કરવામાં આવી છે.
જમ્મુ કાશ્મીર પોલીસના કહેવા પ્રમાણે પેલેસ્ટાઈન સંબંધી સંવેદનશીલ સૂચનાઓ પોસ્ટ કરીને ઘાટીમાં શાંતિભંગ કરવા પ્રયત્ન કરનારાઓ વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવશે. જમ્મુ કાશ્મીર પોલીસે જણાવ્યું કે, તેઓ એવા સોશિયલ મીડિયા યુઝર્સ વિરૂદ્ધ કાર્યવાહી કરશે જે પેલેસ્ટાઈનની દુર્ભાગ્યપૂર્ણ સ્થિતિનો ફાયદો ઉઠાવીને કાશ્મીર ઘાટીમાં સાર્વજનિક શાંતિ અને વ્યવસ્થા બગાડવા પ્રયત્ન કરશે.
કાશ્મીરના આઈજી વિજય કુમારે કહ્યું કે, તેઓ જનતાની પીડા પ્રત્યે સંવેદનશીલ છે પરંતુ જમ્મુ કાશ્મીરનો કાયદો-વ્યવસ્થા સુનિશ્ચિત કરવાની કાયદાકીય જવાબદારી પણ છે માટે કાશ્મીરના રસ્તાઓ પર હિંસા, અરાજકતા અને અવ્યવસ્થા ભડકાવવાની મંજૂરી કોઈને નહીં મળે. લોકોને પોતાનો મંતવ્ય વ્યક્ત કરવાનો અધિકાર છે પરંતુ તેમણે એવું કશું ન કરવું જાેઈએ જેનાથી શાંતિભંગ થાય. તેમણે લોકો પાસે સહયોગ કરવાની અને ઘાટીમાં કોઈ પણ જાતનો તણાવ ન ભડકાવવાની માંગણી કરી હતી.