દેશમાં દરેક વ્યક્તિ પોતાની મરજી મુજબનો ખોરાક ખાવા માટે સ્વતંત્ર
શિલોંગ,તા.૩૧
મેઘાલયમાં ભાજપ સરકારના મંત્રીએ એક નિવેદન આપ્યું છે. મંત્રી સનબોર શુલાઇએ ચિકન કે બકરી કરતા વધારે બીફ ખાવાની સલાહ આપી છે. ભાજપ સરકારમાં કેબિનેટ મંત્રી શુલાઇએ જણાવ્યું હતું કે લોકશાહી દેશમાં દરેક વ્યક્તિ પોતાની મરજી મુજબનો ખોરાક ખાવા માટે સ્વતંત્ર છે.
મેઘાલયના મંત્રી સનબોર શુલાઈના નિવેદનથી વિવાદ થયો છે. તેમણે રાજ્યના લોકોને ચિકન, ઘેટાં- બકરાનાં માંસ અથવા માછલી કરતાં વધુ બીફ ખાવાનું કહ્યું અને તેમનો પક્ષ તેની વિરુદ્ધ હોવાનું નકાર્યું. ગયા અઠવાડિયે કેબિનેટ મંત્રી તરીકે શપથ ગ્રહણ કરનાર ભાજપના વરિષ્ઠ નેતા શુલાઈએ કહ્યું કે લોકશાહી દેશમાં દરેક વ્યક્તિ પોતાની પસંદગીનું ભોજન ખાવા માટે સ્વતંત્ર છે. તેમણે મીડિયાને કહ્યું, હું લોકોને ચિકન, ઘેટાં અથવા બકરાનું માંસ અથવા માછલી ખાવાને બદલે વધુ બીફ ખાવા માટે પ્રોત્સાહિત કરું છું. ભાજપ ગૌહત્યા પર પ્રતિબંધ મૂકશે તેવી કલ્પના દૂર થશે. પશુપાલન અને પશુ ચિકિત્સક મંત્રી શુલઈએ આ પણ ખાતરી આપી કે તેઓ આ સુનિશ્ચિત કરવા માટે આસામના મુખ્ય પ્રધાન હિમંત બિસ્વા સરમા સાથે વાત કરશે કે પડોશી રાજ્યમાં નવા કાયદાથી મેઘાલયમાં પશુઓના પરિવહનને અવરોધે નહીં.
મેઘાલય અને આસામ વચ્ચેના સરહદી વિવાદ પર ત્રણ વખતના ધારાસભ્યએ કહ્યું કે, સમય આવી ગયો છે કે રાજ્ય સરહદ અને તેના લોકોની સુરક્ષા માટે પોલીસ બળનો ઉપયોગ કરે. તેમણે કહ્યું કે, જાે આસામના લોકો સરહદી વિસ્તારોમાં અમારા લોકોને પરેશાન કરતા રહે છે, તો હવે સમય આવી ગયો છે કે માત્ર વાતો ન કરો અને ચા પીઓ. આપણે જવાબ આપવો પડશે. અમારે સ્થળ પર જ જવાબ આપવો પડશે. જાેકે, તેમણે એ પણ સ્પષ્ટતા કરી હતી કે તેઓ હિંસાના પક્ષમાં નથી.