કાનપુર,તા.૨
કોરોના વિરુદ્ધની લડાઇમાં માસ્ક એક ખૂબ જ અગત્યનું હથિયાર બન્યું છે. ઘરથી બહાર નીકળતાં સમયે માસ્ક ભૂલાઇ ન જાય તેનું લોકો ખાસ ધ્યાન રાખતાં હોય છે. ઘણા લોકો માટે માસ્ક હવે ફેશન ટ્રેન્ડ પણ બની ગયું છે. લોકો પોતાના ડ્રેસની મેચિંગ માસ્ક પહેરતાં જાેવા મળી રહ્યાં છે.
કાનપુરના જાણીતા ગોલ્ડન બાબાએ સોનાનું માસ્ક બનાવડાવ્યું છે. જે આજકાલ ચર્ચામાં છે. ઉત્તરપ્રદેશના કાનપુરમાં ગોલ્ડન બાબાના નામથી જાણીતાં મનોજ સેંગરે સોનાનું માસ્ક બનાવડાવ્યું છે. આ માસ્કની કિંમત લગભગ પાંચ લાખ રૂપિયા હોવાનું જણાવાઇ રહ્યું છે. મનોજાનંદ મહારાજ ઉર્ફ ગોલ્ડન બાબાનું કહેવું છે કે, માસ્કની અંદર એક સેનિટાઇઝરની લેયર છે, જે ૩૬ મહિના સુધી કામ કરશે. તેમણે પોતાના માસ્કને શિવ શરણ માસ્ક નામ આપ્યું છે. તે કહે છે કે, બીજી કોરોનાની લહેર ઘાતક રહી છે. આ માસ્ક ટ્રિપલ કોટેડ છે. સેનિટાઇઝ કરાયું છે અને ત્રણ વર્ષ સુધી ટકી શકશે. ઉલ્લેખનીય છે કે, મનોજને સોનું પહેરવાનું બહુ શોખ છે. તેના લીધે જ તે ગોલ્ડન બાબાના નામથી ઓળખાય છે.