૧૦થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા
અમદાવાદ,તા.૧૧
ગોમતીપુરની મણિયારની ચાલીમાં મહેમુદ સંધી તેમ જ તાહીરઅલી શેખ પરિવાર સાથે રહે છે. આ બન્નેએ એકબીજા વિરુદ્ધ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું કે, મહેમુદભાઇ વીશી ચલાવે છે, જેમાં તાહીરઅલીએ ૪ વીશી રાખી હતી. જેમાંથી ૩ વીશી તેમને લાગી હતી. બાકીની એક વીશી ચાલું હતી, જે પેટે મહેમુદભાઇને તાહીરઅલી પાસેથી વીશીની બાકી હપ્તાના રૂ.૩૨ હજાર લેવાના હતાં. જે રૂપિયાની મહેમુદભાઇ વારંવાર માગણી કરતા હતા. ૯ એપ્રિલે મહેમુદભાઇના દીકરા માહીરે ઘરે જઇને પિતાને કહ્યું કે, તાહીરભાઇ તેમના ઘરે હાજર છે. આથી માહિર વીશીના રૂપિયા લેવા તાહિરભાઇ પાસે ગયા હતા. એ વખતે બંન્ને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઇ હતી. માહિરના પરિવારના ૧૨ સભ્યો અને તાહિરના પરિવારના ૧૦ સભ્યો વચ્ચે ઝઘડો થયો હતો અને બંને પરિવારના સભ્યો હાથમાં તલવાર, છરી, દંડા સહિતના હથિયારો લાવીને એકબીજા પર હુમલો કરતા ભારે હોબાળો મચી ગયો હતો. બન્ને પક્ષોના ૧૦થી વધુ સભ્યો ઇજાગ્રસ્ત થયા હતાં.
આ બનાવ અંગે પોલીસે બંને પક્ષની ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે. ગોમતીપુરમાં આવેલી મણિયારની ચાલીમાં વીશીના રૂ.૩૨ હજારના મુદ્દે થયેલા ઝઘડામાં બન્ને પક્ષોના ૨૨ લોકોએ તલવાર, છરી, દંડા સહિતના હથિયારોથી એકબીજા પર હુમલો કર્યો હતો, જેમાં ૧૦થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા હતા. ગોમતીપુર પોલીસે બન્ને પક્ષોની ફરિયાદ નોંધી મહિલાઓ સહિત ૨૨ લોકો વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.