કેરળ,તા.૨૦
આપણામાંથી ઘણા બધા કોઈ જગ્યા પર જવા માટે ગૂગલ મેપ (Google Map)નો ઉપયોગ કરતા હોઈએ છીએ અને એવામાં આપણે પસંદ કરેલ સ્થળ પર જવા માટે નીકળ્યા હોય અને જતા જતા જ ગુગલના નકશાને અનુસરતા હોઈએ છીએ એમાં પણ તમે જ્યારે કોઈ જગ્યાએ પહેલીવાર જતા હોવ ત્યારે તો ગૂગલ મેપ અચૂકપણે વાપરતા હશો. પરંતુ આ સુવિધા ક્યારેક તમને અણધારી મુસીબતમાં પણ મૂકી શકે છે. એવી મુસિબત જેની તમે કલ્પના પણ ન કરી શકો…આવો જ એક કિસ્સો કેરળના કડુથુરુથીનો છે. જ્યાં એક પરિવારને ગૂગલ મેપ વાપરવું ભારે પડી ગયું. ગૂગલના કારણે રસ્તો ભટકી ગયા અને પરિવાર નહેરમાં પહોંચી ગયો.
સ્થાનિક મીડિયા રિપોર્ટ મુજબ કર્ણાટકનો એક પરિવાર મુન્નારથી અલાપ્પુઝા ફરવા જઈ રહ્યો હતો. એક એસયુવીમાં પરિવાર બુધવારે સવારે નીકળ્યો હતો. મુન્નારથી નીકળતી વખતે તેમણે ગૂગલ મેપ પર નેવિગેશન સેટ કર્યું હતું. ત્યારબાદ કાર ચલાવનાર વ્યક્તિ ગૂગલ જેમ કહે તેમ તેને અનુસરવા લાગ્યો. બુધવાર બપોરે કડુથુરુથીમાં કુરુપ્પંથરા કદવુ પાસે અચાનક કાર એક મોટી નહેરમાં ખાબકી. પીડિત પરિવારે જણાવ્યું કે અમે ગૂગલ જે રસ્તો બતાવતું હતું તે પ્રમાણે જતા હતા. ગૂગલે સીધા જવાનું કહ્યું પરંતુ ત્યાં મોટી નહેર હતી. જ્યારે નહેર પહેલા મોટો વળાંક હતો. ગૂગલે સીધા જવાનું કહ્યું એટલે તેમણે ટર્ન લીધો નહીં. સીધા ગયા બાદ કાર ઊંડી નહેરમાં ફસાઈ ગઈ. કાર નહેરમાં ખાબકતા જ પરિવાર બૂમાબૂમ કરવા લાગ્યો. અવાજ સાંભળીને આસપાસના લોકો ત્યાં દોડી આવ્યા અને બધાને એક એક કરીને બહાર કાઢ્યા. તેમણે કાર ખેંચવાની કોશિશ કરી પણ નિષ્ફળ ગયા. ત્યારબાદ એક ટ્રકની મદદથી કાર ખેંચીને બહાર કાઢવામાં આવી.