આ બાબતે કોંગ્રેસે કહ્યું કે હવાનું રૂખ બદલી રહ્યું છે
કોંગ્રેસથી અલગ થયા બાદ વરિષ્ઠ નેતા ગુલામ નબી આઝાદ આગામી થોડા દિવસોમાં નવી પાર્ટીની જાહેરાત કરવા જઈ રહ્યા છે. પાર્ટીની જાહેરાત પહેલા તેઓ સતત કોંગ્રેસ અને રાહુલ ગાંધી પર નિશાન સાધી રહ્યા છે. હવે તેમણે એક ઈન્ટરવ્યુમાં કહ્યું છે કે, તે રાહુલ ગાંધીની જેમ કોઈ પર અંગત હુમલા નથી કરતા. તેમણે કહ્યું કે, તે વ્યક્તિની નહીં પરંતુ નીતિઓની ટીકા કરે છે. આ પછી કોંગ્રેસ નેતા જયરામ રમેશે તેમની ઝાટકણી કાઢી અને કહ્યું, ‘હવામાન બદલાઈ ગયું છે’.
ગૃહમાં મોદી સરકારની નીતિઓનો વિરોધ કરતા હતા
ગુલામ નબી આઝાદે એક ઈન્ટરવ્યુ દરમિયાન કહ્યું હતું કે, તેઓ રાહુલ ગાંધીની જેમ કોઈ પર વ્યક્તિગત હુમલો કરતા નથી. તેમણે કહ્યું, જ્યારે તેઓ સાત વર્ષ સુધી સંસદમાં વિપક્ષના નેતાની ભૂમિકામાં હતા ત્યારે તેમણે પીએમ મોદીની નીતિઓની ટીકા કરી હતી, પરંતુ હવે તેમનું નામ ભાજપ સાથે જોડવામાં આવી રહ્યું છે. આઝાદે કહ્યું, રાહુલ ગાંધીએ G-23ની રચના પછી તેમને ભાજપ સાથે જોડવાનું શરૂ કર્યું. જ્યારે અમે પૂર્ણકાલીન અધ્યક્ષની માગણી કરતો પત્ર લખ્યો ત્યારે તેઓ ગુસ્સે થઈ ગયા અને જુઠ્ઠાણું ફેલાવ્યું કે આ પત્ર PM મોદીના કહેવા પર લખાયો હતો. આ જુઠ્ઠાણું કોંગ્રેસ વર્કિંગ કમિટી અને નેતાથી શરૂ થયું.
ગુલામ નબીને કોઈ આદેશ આપી શકે નહીં
ઈન્ટરવ્યુમાં ગુલામ નબી આઝાદે કહ્યું, જ્યારે કહ્યું કે આ પત્ર પીએમ મોદીના કહેવા પર લખવામાં આવ્યો છે ત્યારે મેં કહ્યું, પીએમ મોદી પાગલ નથી કે તેઓ અમને કોંગ્રેસને મજબૂત કરવા કહે. ગુલામ નબીને કોઈ આદેશ આપી શકે નહીં. મારી સામે કોઈ કેસ નથી અને એક પણ FIR નથી. મારી પાસે કોઈ મિલકત નથી. મારે કોઈથી કેમ ડરવું જોઈએ ? હું 7 વર્ષ સુધી સંસદમાં પીએમ મોદીની બાજુમાં બેઠો હતો અને તેમની નીતિઓની આકરી ટીકા કરી હતી. ફરક માત્ર એટલો છે કે હું અંગત હુમલા નથી કરતો. હું નીતિઓ પર હુમલો કરું છું, વ્યક્તિઓ પર નહીં કારણ કે અલ્લાહ વ્યક્તિઓ બનાવે છે.