પાલનપુર,તા.૬
બનાસકાંઠામાં કોરોનાનો કહેર આજે પણ યથાવત છે ત્યારે ડીસાના ગ્રામીણ વિસ્તારમાં ગ્રામજનો દ્વારા શાળાઓમાં હોસ્પિટલ ઉભી કરાઈ છે તો ક્યાંક ટેન્ટ નીચે દર્દીઓને સારવાર અપાઇ રહી છે.
બનાસકાંઠામાં દિન-પ્રતિદિન કોરોના કહેર સાથે વાયરલ ફીવરના કેસો દિન-પ્રતિદિન વધતા હોસ્પિટલો હાઉસફુલ થઈ ગયા છે ત્યારે લોકોને સારવાર ક્યાં કરાવી તેને લઈને સમસ્યા ઊભી થઈ છે સાથે હાલમાં ગ્રામીણ વિસ્તારમાં કોરોનાનું સંક્રમણ વધુ છે. ત્યારે ગ્રામીણ વિસ્તારના લોકોને શહેરોની હોસ્પિટલમાં સારવાર ન મળતા ગ્રામજનોની મદદથી હવે ગામડાઓની અંદર હોસ્પિટલો ઉભી કરવામાં આવી છે. જેમાં ડીસાના આસેડા ગામે ગ્રામજનોએ ઘર ઘર ફરી ખાટલાઓ ભેગા કરી અને પ્રાથમિક શાળામાં ૪૦ બેડની હોસ્પિટલ શરૂ કરી છે.
બે તબીબો દ્વારા રોજે આસેડા સહિત આસપાસના ૧૦૦થી વધુ દર્દીઓને સારવાર અપાઇ રહી છે. જાેકે ગ્રામજનો દ્વારા ગામમાં દર્દીઓ માટે ઓક્સિજનની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. ડીસાના જુના ડીસામાં પણ કોરોના અને વાઇરલ ફીવરના દર્દીઓ વધતા ગ્રામજનો દ્વારા ગામમાં ટેન્ટ નીચે દર્દીઓને સારવાર આપવા માટે વ્યવસ્થા ઊભી કરી છે. જેમાં રોજે ૨૦૦થી વધુ દર્દીઓને તમામ પ્રકારની સારવાર આપવામાં આવી રહી છે. જાે કે ગામની અંદર ઓક્સિજનની પણ વ્યવસ્થા મળી રહે તે માટેનું આયોજન પણ કરવામાં આવ્યું છે. તો કેટલાક દર્દીઓ ઝાડ ઉપર બોટલો લગાવી અને સારવાર લઇ રહ્યા છે. તો ક્યાંક ટેન્ટ લગાવીને સારવાર કરી રહ્યા છે તો ક્યાંક શાળાઓમાં સારવાર લઇ રહ્યા છે જાે કે હાલમાં ગ્રામીણ વિસ્તારમાં કોરોનાના કેસ વધતા હવે ગ્રામજનોએ ગામમાં હોસ્પિટલ ઉભી કરી દીધી છે. જાે કે બનાસકાંઠાના અનેક ગામો એવા છે જ્યાં ગામની અંદર શાળાઓમાં, પંચાયત ઘરોમાં, હોસ્પિટલ ઉભી કરીને દર્દીઓને સારવાર મળી રહે તે માટેનું આયોજન કર્યું છે.
ડીસામાં મોટાભાગની હોસ્પિટલો હાઉસફૂલ છે જેથી ગ્રામીણ વિસ્તારના દર્દીઓને સારવાર ન મળતાં આસેડા જુના ડીસા અને રાણપુર જેવા ગામોમાં હાલ ગામ લોકો દ્વારા ખૂબ જ સારી વ્યવસ્થા ઊભી કરાઇ છે. જાે કે તંત્ર અને સરકારની મદદ વગર દર્દીઓ ખૂબ સારી રીતે સારવાર લઈ રહ્યા છે.