વડોદરા,
ગુજરાતમાં કોરોનાના XE વેરિઅન્ટની એન્ટ્રી થઈ ગઈ છે. કોરોનાના નવા વેરિઅન્ટ XEએ ગુજરાતમાં પ્રવેશ કરી લીધો છે. આ નવા વેરિઅન્ટના પ્રથમ કેસની પુષ્ટિ પણ થઈ છે. ગુજરાત રાજ્યના વડોદરામાં એક વ્યક્તિનો સેમ્પલ પોઝિટિવ આવ્યો છે. આ પહેલા સ્વપ્ન નગરી મુંબઈમાં પણ આ XE વેરિઅન્ટનો એક કેસ જોવા મળ્યો હતો. આ વાયરસ તદ્દન ચેપી માનવામાં આવે છે, તેથી સરકાર દ્વારા પણ સંપૂર્ણ સાવચેતી રાખવામાં આવી રહી છે.
હાલ, ગુજરાતમાં જે કેસની પુષ્ટિ થઈ છે તેના સંદર્ભમાં કહેવામાં આવ્યું છે કે 13મી માર્ચના રોજ તે વ્યક્તિનો રિપોર્ટ કોવિડ પોઝિટિવ આવ્યો હતો. પરંતુ સારવારના એક અઠવાડિયા બાદ તેમની તબિયત સારી પણ થઈ ગઈ હતી. પરંતુ જ્યારે ટેસ્ટિંગના વધુ પરિણામો આવ્યા ત્યારે તે વ્યક્તિ XE વેરિઅન્ટથી સંક્રમિત હોવાનું બહાર આવ્યું હતું. ગુજરાતમાં પ્રથમ વ્યક્તિ XE વેરિઅન્ટની ચપેટમાં આવતા લોકોમાં ચિંતા વધી ગઈ છે. નિષ્ણાંતો દ્વારા એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે કોરોનાનું આ નવું સ્ટ્રેન સૌથી ચેપી છે, તેથી સૌ કોઈએ આવનારા દિવસોમાં સાવધાન રહેવાની તથા કાળજી રાખવાની ખૂબ જ જરૂર છે.