ગુજરાતમાંથી ટી.બી.ની સંપૂર્ણ નાબૂદી માટે જનઆંદોલનની જેમ કામ કરવા રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીનો અનુરોધ
રાજભવનમાં આયોજિત આ સમીક્ષા બેઠકમાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના અધિક મુખ્ય સચિવ મનોજ અગ્રવાલ, આરોગ્ય કમિશનર શ્રીમતી શાહમીના હુસૈન અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
ગાંધીનગર,
ગુજરાતમાં એક લાખ વ્યક્તિએ પ્રતિવર્ષ ટી.બી.ના હવે માત્ર ૧૮૯ દર્દીઓ મળી રહ્યા છે. ટી.બી.ના દર્દીઓની સંખ્યામાં ઉત્તરોત્તર ઘટાડો થઈ રહ્યો છે. રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ રાજભવનમાં રાષ્ટ્રીય ટી.બી. ઉન્મૂલન કાર્યક્રમ અંતર્ગત ગુજરાતમાં થઈ રહેલા કાર્યની સમીક્ષા કરી હતી. સમગ્ર દેશમાં ગુજરાત શ્રેષ્ઠ કામગીરીમાં બીજા ક્રમે છે, તે માટે આરોગ્યતંત્રને બિરદાવતાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ ગુજરાતમાંથી ટી.બી.ની સંપૂર્ણ નાબૂદી માટે જનઆંદોલનની જેમ કામ કરવા અનુરોધ કર્યો હતો.
વિશ્વમાંથી વર્ષ-૨૦૩૦ સુધીમાં ટી.બી. નાબૂદીનો લક્ષ્યાંક છે. પરંતુ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારતને વર્ષ-૨૦૨૫ સુધીમાં સંપૂર્ણ ટી.બી. મુક્ત કરવાનો સંકલ્પ લીધો છે. રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ કહ્યું હતું કે, ટી.બી. ઉન્મૂલન માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સંકલ્પને સાકાર કરવામાં ગુજરાત નેતૃત્વ કરશે.
ગુજરાતમાં ક્ષયના ૭૨% દર્દીઓ ગ્રામીણ વિસ્તારમાં છે જ્યારે ૨૮% દર્દીઓ શહેરી વિસ્તારોમાં છે. રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ વર્ષ-૨૦૨૫ સુધીમાં ટી.બી.ની સંપૂર્ણ નાબૂદી માટે ટી.બી.ના દર્દીઓને શોધી કાઢવાનું કામ વધુ પ્રભાવક બનાવવાની હિમાયત કરી હતી. આ માટે આરોગ્ય તંત્રના ફિલ્ડ સ્ટાફને પ્રોત્સાહન સાથે જવાબદારી સોંપવા રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ સૂચન કર્યું હતું. સખી મંડળોની બહેનોની મદદ લેવા પણ તેમણે અનુરોધ કર્યો હતો. નિ-ક્ષય મિત્ર તરફથી અપાતી કીટ વધુ પોષક તત્વોવાળી બને એ હેતુથી તેમાં શ્રી અન્ન-મીલેટ્સ ઉમેરવાનું પણ તેમણે સૂચન કર્યું હતું.
ગુજરાતમાં અત્યારે ટી.બી.ના ૮૨,૮૦૪ દર્દીઓ સારવાર લઈ રહ્યા છે. આ પૈકીના ૭૦,૫૦૯ જેટલા દર્દીઓએ નિ-ક્ષય મિત્રોની મદદ લેવાની સંમતિ આપી છે. પ્રધાનમંત્રી ટી.બી્ મુક્ત ભારત અભિયાન અંતર્ગત ગુજરાતમાં અને સમગ્ર ભારતમાં સેવાભાવી લોકો, સંસ્થાઓ, સહકારી અને રાજકીય સંગઠનો, કો-ઓપરેટીવ અને કોર્પોરેટ સંસ્થાઓ નિ-ક્ષય મિત્ર તરીકે ટી.બી.ના દર્દીઓને નિયમિત રીતે દવા અને પોષક આહારની કીટ વિના મૂલ્યે પહોંચાડે છે. ગુજરાતમાં ૪,૦૯૭ નિ-ક્ષય મિત્રો નિયમિત રીતે ૭૦,૫૦૯ દર્દીઓને ૧,૩૬,૯૩૦ કીટ પહોંચાડે છે.