ગુજરાતના રાજકરણના મોટા સમાચાર, સોનિયા ગાંધી અને નરેશ પટેલ વચ્ચે 4 વાગ્યે બેઠક, બેઠકમાં પ્રશાંત કિશોર પણ રહેશે હાજર
ગુજરાત વિધાનસભા ચૂંટણીઓને લઈને રાજકીય ગતિવિધિઓ તેજ બની છે. ત્યારે નરેશ પટેલની દિલ્લી મુલાકાતને લઈને ચર્ચાઓએ જોર પકડ્યું છે. નરેશ પટેલના રાજકારણમાં પ્રવેશને લઇને દિવસ જાય તેમ રાજનીતિ તેજ બની રહી છે. તેવામાં રાજકારણને લઇને મોટા સમાચાર સામે આવ્યા છે. નરેશ પટેલ કોંગ્રેસમાં જોડાઇ શકે છે તેવી વાતો વચ્ચે આજે સાંજે 4 કલાકે સોનિયા ગાંધી અને નરેશ પટેલ વચ્ચે બેઠક મળશે. દિલ્હીના 10 જનપથ રોડ પર સોનિયા ગાંધીના નિવાસ્થાને બેઠક મળશે. બેઠક બાદ કોંગ્રેસમાં જોડાવાની સત્તાવાર જાહેરાત થઇ શકે છે. ગુજરાત કોંગ્રેસને લઇ આજે દિલ્હીમાં મોટી બેઠક મળનારી છે. જે માટે ખોડલધામ સુપ્રીમો નરેશ પટેલ ગઈકાલથી જ દિલ્હી પહોંચી ગયા છે. આ બેઠકમાં પ્રશાંત કિશોર પણ હાજર રહેશે. પ્રશાંત કિશોરનો રસ્તો ક્લિયર થતા હવે નરેશ પટેલ પણ વિધિવત રીતે કોંગ્રેસમાં પ્રવેશ કરશે. ગમે તે ઘડીએ નરેશ પટેલની કોંગ્રેસમાં જોડાવાની જાહેરાત થઇ શકે છે. દિલ્હીમાં મળનારી બેઠકમાં નરેશ પટેલ પ્રશાંત કિશોર સાથે પણ બેઠક કરશે. પ્રશાંત કિશોર સાથેની બેઠક બાદ તેઓ કોંગ્રેસના અગ્રણી નેતાઓને પણ મળશે.