ગાંધીનગર,
રાજ્યમાં હવે CCTV ફરજિયાત કરવામાં આવ્યા છે ત્યારે હવે સ્થાનિક વિસ્તારોમાં પણ બનતી નાની મોટી ઘટનાઓને રોકવા, ગુનેગારોમાં ભય પેદા કરવા અને ગુના બને તો તેના ઝડપી ઉકેલ માટે રાજ્ય સરકારે કમરકસી છે.
છેલ્લા કેટલાક સમયથી રહેણાકના વિસ્તારોમાં ચોરી, લૂંટ, ઘરફોડ ઉપરાંત હત્યા સહિતની ઘટનાઓ વધી રહી છે અને ઉકેલ માટે સ્થાનિક પોલીસને આજુબાજુના મકાનો કે બંગલાઓમાં કે રસ્તાઓ ઉપર મૂકાયેલા CCTV કેમેરા જ સહાયક સાબિત થઈ રહ્યાં છે . આવા સંજાેગોમાં રાજ્ય સરકારે હવે રહેણાક વિસ્તારમાં CCTV ફરજ્યિાત બનાવવા નવી CCTV પોલિસી અમલી બનાવી છે. રાજ્યમાં એક બાજુ હત્યા સહીતના ગુનાઓ વધી રહ્યાં છે, તો બીજી બાજુ આવા ગુનાઓ આચરનારાઓને ઝડપથી પકડી સજા આપી શકાય તેમજ આવા ગુનાઓ બનતા અટકી શકે તે માટે સરકારે હવે યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરી છે. રાજ્યના મહાનગરોમાં પોલીસના વિશ્વાસ પ્રોજેક્ટ બાદ હવે આ દિશામાં સરકારે વધુ એક પગલું લીધું છે. રાજ્યમાં હવે રહેણાંક સોસાયટીઓમાં CCTV કેમેરા ફરજિયાત કરવામાં આવ્યાં છે. રાજ્યના ગૃહવિભાગે રાજ્ય સમક્ષ CCTV કેમેરા પોલીસી રજૂ કરી હતી, જેને સરકારે મંજુરી આપી છે.
રાજ્યમાં રહેણાંક સોસાયટી માટે CCTV કેમેરા પોલિસી અમલી બનશે . આ માટે ગૃહ વિભાગના પ્રપોઝલને રાજ્ય સરકારે મંજૂરી આપી દીધી છે. રહેણાંક સોસાયટીમાં હવે સરકારી ધારા-ધોરણો પ્રમાણે CCTV કેમેરા લગાવવા પડશે. રહેણાંક સોસાયટીમાં CCTV કેમેરા લગાવવા સરકાર ખાસ નિયમો બનાવશે. પોલિસી અંતર્ગત ઝોન પ્રમાણે સોસાયટીની વહેંચણી કરવામાં આવશે. રહેણાંક સોસાયટીને અલગ-અલગ ૪ ઝોનમાં વહેંચવામાં આવશે. સોસાયટીમાં CCTV કેમેરા લગાવવાની મંજૂરી આપવા કમિટી બનશે. કમિટીની અંદર જે-તે પોલીસ મથક તથા વહીવટીય અધિકારીનો સમાવેશ કરવામાં આવશે. કમિટીની મંજૂરી લીધા બાદ જ રહેણાંક સોસાયટીમાં CCTV કેમેરા લગાવાશે.
રાજ્યમાં હાલ મહાનગરો સહીત નાના શહેરોમાં પણ વિવિધ કો-ઓપરેટીવ સોસાયટી અને ફ્લેટમાં પહેલેથી જ સુરક્ષાને ધ્યાને રાખીને સ્વ-ખર્ચે CCTV કેમેરા લગાવાયા છે. ત્યારે હવે રાજ્યમાં CCTV કેમેરા પોલીસી અમલી બનતા આ CCTV લગાવવાનો ખર્ચ કોના માથે આવશે એ એક પ્રશ્ન છે. સામાન્ય રીતે સોસાયટીઓના સભ્યોએ જ ભાગીદારી દ્વારા આ ખર્ચ વહન કરવો પડશે. જાે એ સરકારે આ અંગે હજી કોઈ જાહેરાત કરી નથી. બની શકે કે સરકાર આમાં કોઈ રાહત આપી શકે.