દેશમાં કોરોનાના વધતા જઈ રહેલા કેસોના કારણે આમ પ્રજામાં હડકંપ મચી ગઇ છે. દેશમાં એ હદે હેલ્થ ક્ષેત્રમાં સ્થિતિ વણસી ગઈ છે કે દેશની વડી અદાલતે કેન્દ્ર સરકારને નોટીસ આપવા સાથે કહેવું પડ્યું કે દેશ રામભરોસે ચાલી રહ્યો છે. ત્યારે ખરેખર જે-તે રાજ્યોમાં કોરોનાએ અજગરી ભરડો લીધો છે તે તમામ રાજ્યોમાં સરકારી અને ખાનગી તમામ હોસ્પિટલો કોરોના દર્દીઓથી હાઉસફુલ થવા સાથે હોસ્પિટલોમાં દાખલ કરવા દર્દીઓને લઈને આવેલ ૧૦૮ ઈમર્જન્સી એમ્બ્યુલન્સ સેવાની લાઈનો લાગતી રહી છે. અનેકો જે તે ખાનગી સાધનો મારફતે દર્દીને લઈને હોસ્પિટલ આવી પહોંચે છે પરંતુ આવા ખાનગી વાહન દ્વારા દોડી આવેલા દર્દીને દાખલ કરવામાં નથી આવતા…. કારણ કે જે તે લાવવામાં આવેલ દર્દીના કોરોના પોઝિટીવ સર્ટી નથી હોતા. ત્યારે સરકારી તંત્રનો મૂઢ કાયદો દર્દીને મોતના મુખમાં ધકેલી દે છે….! ત્યારે લાગે છે કે મતો મેળવવા જે વચનો આપવામાં આવ્યા હતા તે ઠાલા હતા… કોમને નામે, ધર્મના નામે મત મેળવી લીધા બાદ માનવતા ભૂલાઈ ગઈ છે….એવા નઠોર નિયમો બનાવી દીધા છે કે કોરોના પોઝિટીવ સર્ટી તથા ૧૦૮ દ્વારા આવેલ હોય તો જ દાખલ કરવામાં આવે છે…ત્યારે ખાનગી સાધનો મારફતે આવી પહોંચેલ કે લાવવામા આવેલ દર્દી માટે હોસ્પિટલ ખાતે કોઈ ટેસ્ટીગ માટેની સુવિધા ઊભી કરવામાં આવી નથી કે ત્યાં તેનું ટેસ્ટીગ કરવામાં આવતું નથી જેથી દર્દીને સારવાર મળી શકે….. પરંતુ હોતી હે ચલતી હૈ…..! આપણને કોણ પૂછનાર છે…ની નીતિ આમ પ્રજાને મુશ્કેલીમાં મુકી રહી છે…..!?
કોરોના વાયરસ દર્દીને બચાવી લે છે તેવો એક પણ નિષ્ણાતે કે કોઇપણ દેશે દાવો કર્યો નથી. તો નિષ્ણાતોનું કહેવું છે કે કોરોના વેક્સિન જીવ બચાવી લે તેવું કોઈ અમોધ શસ્ત્ર નથી… રસી લીધા પછી પણ સાવચેતી જરૂરી છે. મોઢે માસ્ક, ડિસ્ટન્સ, હાથ ધોવા, ભીડથી દૂર રહેવું જરૂરી છે. દેશમાં કોરોના કાળમાં જે તે કેટલીક હોસ્પિટલોમાં ઓક્સિજનની અછત ઉભી થતા કેટલાકોએ જીવ ગુમાવ્યા છે તો રેમડેસિવીર વેક્સિનની અછત સર્જાઈ ગઈ છે… અને સરકાર રોજેરોજ આમ પ્રજાને નવા આશ્વાસનો આપતી જાય છે. કોરોનાએ જ્ઞાતિ-જાતિ, હિન્દૂ-મુસ્લિમના ભેદભાવ મિટાવી દીધા છે. હિન્દુ- મુસ્લિમ એક બીજાને મદદ કરી રહ્યા છે. હૈદરાબાદ ખાતેના ઓક્સિજન ઉત્પાદન કરતાં એકમના મુસ્લીમ માલીક એક પણ પૈસો લીધા વગર ઓક્સિજન આપી રહ્યા છે. જ્યારે કે કેટલાક પારસી મહાનુભાવોએ વેક્સિન સપ્લાય માટેના એસી સાધનો સહિતની વિવિધ સહાય માનવ જીંદગી બચાવવા આપી રહ્યા છે અને સાચા દેશભક્ત હોવાનુ જીવંત ઉદાહરણ આપી દીધું છે. ત્યારે હોસ્પિટલો કે સ્મશાન ગૃહો પર નજર નાખીએ તો અનુભવ થાય છે- જાેવા મળે છે કે હિન્દુના મૃતદેહને મુસ્લિમો લઈ આવીને હિન્દુ રિવાજ મુજબ અગ્નિદાહ આપે-અપાવે છે, તો કબ્રસ્તાન ખાતે હિન્દુઓ મુસ્લિમનો મૃતદેહ લઈને પહોંચી જાય છે અને તેમના રિતરિવાજ મુજબ દફન વિધી કરે- કરાવે છે. ટૂંકમાં હોસ્પિટલથી માંડીને મૃત દેહ વિધી વિધાન દરેકમાં સમરસતા….કોઈ જ્ઞાતિ- જાતિ કે ધર્મનો ભેદ નથી રહ્યો.. જ્યારે કે રાજનીતિએ જે ભાતૃભાવના ખતમ કરાવી હતી… તે કોરોનાએ ભુલાવી બધાને એક તાંતણે બાંધી દીધા છે… ફરી જ્ઞાતિ-જાતિ કે કોમ-કોમ વચ્ચે ભાગલા ન પડાવે તે માટે જાગતા રહીએ.. તે સાથે એક જ વાત કોરોનાથી બચવા નિયમોનું પાલન કરી સાવચેતી રાખીએ અને મનમાનો કોરોના ડર ખતમ કરી.. નવજીવન તરફ આગળ વધીએ….!! વંદે માતરમ્,