કોંગ્રેસ મીટિંગ : કોંગ્રેસનું મિશન 2024, બેઠકમાં પ્રશાંત કિશોરે સત્તામાં પાછા ફરવાનો રોડમેપ જણાવ્યો
કોંગ્રેસે શનિવારે 10 જનપથ ખાતે અચાનક એક ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી. આ દરમિયાન અનેક મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી. આ બેઠકમાં 2024 મિશન અંગે ચર્ચા કરવામાં આવી હતી. બેઠકમાં હાજર રહેલા પ્રશાંત કિશોરે પાર્ટીની સત્તામાં વાપસી માટેનો રોડમેપ જણાવ્યો હતો.
પ્રશાંત કિશોરની સોનિયા ગાંધી સાથે મુલાકાત : જાણીતા ચૂંટણી વ્યૂહરચનાકાર પ્રશાંત કિશોરે શનિવારે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીના નિવાસસ્થાને યોજાયેલી પાર્ટીના વરિષ્ઠ નેતાઓની બેઠકમાં આગામી લોકસભા ચૂંટણી માટે વ્યૂહરચનાની બ્લુ પ્રિન્ટ રજૂ કરી હતી. પાર્ટી તેમના દ્વારા રજૂ કરાયેલી યોજના પર વિચારણા કરવા માટે નેતાઓનું એક નાનું જૂથ બનાવશે, જે એક સપ્તાહની અંદર તેનો રિપોર્ટ સોનિયા ગાંધીને સોંપશે.
2024ની લોકસભા ચૂંટણી માટે રણનીતિ રજૂ કરી : પ્રશાંત કિશોરની કોંગ્રેસના નેતાઓ સાથેની બેઠક બાદ પાર્ટીના સંગઠન મહાસચિવ કે. સી. વેણુગોપાલે પત્રકારોને જણાવ્યું હતું કે, “પ્રશાંત કિશોરે 2024ની લોકસભા ચૂંટણીની વ્યૂહરચના અંગે કોંગ્રેસ અધ્યક્ષને વિગતવાર પ્રેઝન્ટેશન આપ્યું હતું, તેમણે જે યોજના રજૂ કરી છે તેના પર પાર્ટીના જૂથ દ્વારા વિચાર કરવામાં આવશે અને એક સપ્તાહની અંદર કોંગ્રેસ અધ્યક્ષને જાણ કરવામાં આવશે. તેનો રિપોર્ટ સબમિટ કરશે. ત્યાર બાદ આ અંગે અંતિમ નિર્ણય લેવામાં આવશે.
બેઠકમાં રાહુલ અને પ્રિયંકા ગાંધીએ આપી હતી હાજરી : કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી, મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા, કે.સી. વેણુગોપાલ, વરિષ્ઠ નેતાઓ અંબિકા સોની, મલ્લિકાર્જુન ખડગે અને અન્ય કેટલાક નેતાઓએ હાજરી આપી હતી.
નરેશ પટેલને કોંગ્રેસમાં લેવાનો પ્રયાસ : કોંગ્રેસના સૂત્રોએ જણાવ્યું હતું કે છેલ્લા ઘણા અઠવાડિયાથી પાર્ટી નેતૃત્વ અને કિશોર વચ્ચે મુખ્યત્વે ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને વાતચીત ચાલી રહી છે. પાર્ટી ગુજરાતના જાણીતા પાટીદાર ચહેરા નરેશ પટેલને પણ સાથે લેવા પ્રયાસ કરી રહી છે.
પ્રશાંત કિશોર છેલ્લા ઘણા સમયથી કોંગ્રેસના સંપર્કમાં : પ્રશાંત કિશોર છેલ્લા કેટલાક સમયથી કોંગ્રેસ નેતૃત્વના સતત સંપર્કમાં છે. તાજેતરમાં, તેમણે કહ્યું હતું કે તેઓ 2021માં કોંગ્રેસમાં જોડાવા જઈ રહ્યા છે, પરંતુ કેટલાક મુદ્દાઓ પર સહમતિ બની શકી નથી.