મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં એક ભંગારના વેપારીને બળજબરીથી “જય શ્રી રામ”નો નારો લગાવવા માટે ફરજ પાડવામાં આવી હોવાનો એક વિડિયો વાયરલ થયો છે.
વિડિયોમાં બે યુવકો ભંગારના વેપારીને “જય શ્રી રામ”નો નારો બોલવા માટે દબાણ કરતા હોવાનુ દેખાઈ રહ્યુ છે. એ પછી હવે પોલીસ સક્રિય થઈ રહી છે. વિડિયોમાં દેખાતા યુવકોની તપાસ શરુ કરવામાં આવી છે.
આ પહેલા ઈન્દોરમાં ટોળાએ એક બંગડી વેચનારાની ધોલાઈ કરી હતી અને તેના પર ઓળખ છુપાવવાનો આરોપ મુકવામાં આવ્યો હતો. હવે વધુ એક મામલામાં ઉજજૈનના ગ્રામ્ય વિસ્તારમાં શનિવારે ભંગારનો વેપારી પોતાની લારી લઈને નિકલ્યો હતો ત્યારે કેટલાક યુવકોએ તેનો સામાન ફેંકી દઈને ગામમાં નહીં આવવાની ચેતવણી આપી હતી. કોઈએ આ ઘટનાનો વિડિયો ઉતારીને સોશિયલ મીડિયા પર શેર કરી દીધો હતો.
ઉજ્જૈન પોલીસે જણાવ્યુ હતું કે, બંને આરોપીઓ વિરુદ્ધ આઇપીસીની સંબધિત ધારાઓ હેઠળ કેસ નોધવામાં આવ્યો છે. પોલીસનુ કહેવુ છે કે, સાંપ્રદાયિક સદભાવના બગાડવાના જે પ્રયત્નો થઈ રહ્યા છે તે યોગ્ય નથી. લોકોએ સંયમ રાખવાની જરુર છે. બીજી તરફ કોંગ્રેસે કહ્યુ છે કે, લઘુમતી કોમના વ્યક્તિઓ સાથે છેલ્લા કેટલાક સમયથી એમપીમાં આ પ્રકારની ઘટનાઓ બની રહી છે અને તે દુખદ છે.