ઢાકા,તા.૨૪
બાંગ્લાદેશના પાસપોર્ટ પર એક વાક્ય લખેલું રહેતું- ઈઝરાયલને છોડીને. બાંગ્લાદેશ સરકારે ૨૨ મેના રોજ પોતાના પાસપોર્ટ પરથી આ વાક્ય દૂર કરવાની જાહેરાત કરી હતી. બાંગ્લાદેશ સરકારના આ પગલાને ઈઝરાયલ પ્રત્યેના વલણમાં ફેરફાર તરીકે જાેવામાં આવ્યું હતું અને ઈઝરાયલના વિદેશ મંત્રાલયે તેનું સ્વાગત કરીને રાજદ્વારી સંબંધ સ્થાપિત કરવાની વકીલાત પણ કરી દીધી હતી.
હવે બાંગ્લાદેશ સરકારે નિવેદન બહાર પાડીને એ સ્પષ્ટ કરી દીધું છે કે, ઈઝરાયલને લઈ તેની નીતિમાં, તેના વલણમાં કોઈ ફેરફાર નથી આવ્યો. તે હજું પણ ઈઝરાયલને માન્યતા નથી આપતું અને યાત્રા પ્રતિબંધ લાગુ રહેશે. બાંગ્લાદેશના વિદેશ મંત્રી ડૉક્ટર એ કે અબ્દુલ મોમીને રવિવારે ઢાકા ખાતે એક પત્રકાર પરિષદમાં જણાવ્યું કે, તેમણે પાસપોર્ટ પરથી તે વાક્ય દૂર કરવાનો ર્નિણય ૬ મહિના પહેલા જ લઈ લીધો હતો જ્યારે તેમણે ઈ-પાસપોર્ટ લોન્ચ કર્યો હતો.
ડૉ. મોમીનના કહેવા પ્રમાણે આ તેમના પાસપોર્ટના સ્ટાન્ડર્ડાઈઝેશન માટે હતું. ઈઝરાયલને લઈ તેમની વિદેશ નીતિ પહેલા જેવી જ રહેશે. તેઓ ઈઝરાયલ સાથે સંબંધો સ્થાપિત કરવા નથી જઈ રહ્યા. સાથે જ તેમણે એવી પણ સ્પષ્ટતા કરી હતી કે તેઓ પેલેસ્ટાઈનના લોકોના સંઘર્ષનું સમર્થન કરે છે અને ટુ સ્ટેટ સોલ્યુશનનું પણ સમર્થન કરે છે. પરંતુ વિદેશ નીતિમાં કોઈ ફેરફાર નહીં થાય.
ઉલ્લેખનીય છે કે, બાંગ્લાદેશી પાસપોર્ટ પર પહેલા એક ક્લોજ લખેલી રહેતી કે, આ પાસપોર્ટ ઈઝરાયલને છોડીને વિશ્વના તમામ દેશો માટે માન્ય છે.