ઇન્દોરમાં એક બાળકીએ માતાને પુછ્યુ કે “મહોરમના દિવસે મરનાર જન્નતમાં જાય છે ?” કહી ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી
ઇન્દોર,
આ ઘટના ઈન્દોર શહેરના રાવજી બજાર વિસ્તારના ચંપા બાગના હાથીપાલાની છે. અહીં રાબિયા નામની છોકરી પૂરા પરિવારની સાથે મોહરમ પર શુક્રવારે મોડી સાંજે રોઝા ખોલવા બેઠી હતી. માતાએ પુત્રીની પસંદની ખીર પણ બનાવી હતી. પણ રોઝા ખોલતા પહેલા જ એક સવાલે પુત્રીનો જીવ લઈ લીધો. પરિવાર આ ઘટનાથી શોકમાં ગરકાવ થઈ ગયો છે. ઈન્દોરમાં ૧૫ વર્ષની કિશોરીએ મોહરમના દિવસે ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી હતી. આત્મહત્યા કરતાં પહેલા તેણે તેની માતાને પૂછ્યું હતું કે “શું ઇમામ હુસેન (રદી.) આજના દિવસે જ શહીદ થયા હતા? શું આજે જે લોકોનું મૃત્યુ થશે તેઓ જન્નતમાં જશે?” આ સવાલ પર તેની માતાએ તેને જવાબ આપ્યો- હાં. પછી થોડી વાર બાદ જ તેની પુત્રીએ ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી હતી.
પરિવારના લોકો તેને ફાંસા પરથી નીચે ઉતારીને હોસ્પિટલ લઈ ગયા હતા, જ્યાં હાજર ડોકટરે તેને મૃત જાહેર કરી હતી. પરિવારનું કહેવું છે કે થોડા દિવસ પહેલા જ રાબિયાનું ધોરણ ૧૧માં એડમિશન લેવામાં આવ્યું હતું. એડમિશન માટેના ૩૮૦૦ રૂપિયા પણ સ્કૂલમાં ભરી દેવામાં આવ્યા હતા. ૨ દિવસ પહેલા જ તેને ધોરણ ૧૧ના પુસ્તકો અપાવ્યા હતા. તે ખૂબ જ ખુશ હતી, પરંતુ તેણે આ પ્રકારનું પગલું કેમ ભર્યું? તે બાબતે પરિવારને કશું જ સમજાઈ રહ્યું નથી. પરિવારજનોએ જણાવ્યુ હતું કે થોડા વર્ષો પહેલા સ્કૂલમાંથી પિકનિક પર રાઉ સર્કલ પાસે નખરાલી ઘાણી ગઈ હતી. જ્યાં રાબિયાની મિત્રનું હીંચકા પરથી પડી જવાથી મોત થઈ ગયું હતું. ત્યાર બાદ રાબિયા પણ કંઈક એના પછી કેટલીક ભ્રામક વાતો કરવા લાગી હતી. હંમેશા કહેતી રહેતી હતી કે જીવન અને મૃત્યુ શું છે? આપણે ગમે ત્યારે મરી શકીએ. પરિવારે આવી બાબતો માટે તેને ઘણી વખત ઠપકો આપ્યો હતો. પરંતુ તેની મિત્રના મૃત્યુ બાદ તે માનસિક રીતે સ્વસ્થ થઈ શકી ન હતી.
(જી.એન.એસ.)