ટાઉન પીઆઈ અને પોલીસકર્મીઓ સહિત હિન્દુ, મુસ્લિમ રક્ત દાતાઓએ રક્તદાન કર્યું
સાજીદ સૈયદ નર્મદા
નર્મદા જિલ્લાના વડા મથક રાજપીપળા ખાતે નર્મદા પોલીસ દ્વારા ઘણા સેવાકાર્યો કરવામાં આવે છે જેમાં જિલ્લા પોલીસ વડા પ્રશાંત સુંબેનાં માર્ગદર્શન અને ડીવાયએસપી જી.એ. સરવૈયાની સૂચના મુજબ રાજપીપળા પોલીસ સ્ટેશનમાં રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રાજપીપલા ટાઉન પોલીસ સ્ટેશનના પીઆઇ આર.જી. ચૌધરી અને પોલીસ કર્મીઓ સહિત હિન્દુ મુસ્લિમ દાતાઓએ રક્તદાન કરી માનવતા મહેકાવી હતી.
આવનારી 28મી સપ્ટેમ્બરે ગણપતિ વિસર્જન અને ઈદ-એ-મિલાદનાં તહેવારોને ધ્યાને લઈ 25મી સપ્ટેમ્બર સોમવારે રાજપીપળા પોલીસ સ્ટેશન કમ્પાઉન્ડમાં શાંતિ સમિતિની મિટિંગ યોજાઈ હતી, ત્યારબાદ 26 સપ્ટેમ્બર અને મંગળવારના રોજ સવારે રાજપીપળા પોલીસ સ્ટેશનમાં એક રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં રાજપીપળા ટાઉન પીઆઈ આર.જી.ચૌધરી તથા પોલીસ કર્મીઓ સહિત હિન્દુ મુસ્લિમ સમાજના દાતાઓએ રક્તદાન કર્યું હતું હતું.
આમ નર્મદા પોલીસ રાજપીપળા સહિત જિલ્લામાં કોઈપણ તહેવારોમાં શાંતિ જળવાઈ રહે તે દિશામાં હમેશા તત્પર રહી આયોજકો સાથે મિટિંગનું આયોજન કરે છે. તેમજ રક્તદાન કેમ્પ સહિતનાં લોકઉપયોગી સેવાકાર્યો પણ કરે છે ત્યારે અહીં પોલીસ પ્રજાનો મિત્ર છે એ વાક્ય સાર્થક જરૂર થાય છે.