ગુજરાતના ગૃહરાજ્ય અને વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ મૃતકોના પરિવારની મુલાકાત લીધી હતી.
અમદાવાદ,૨૦
અમદાવાદના એસજી હાઈવે પર બુધવારની મધરાતે ઉપરાઉપરી બે અકસ્માત સર્જાયા. પહેલો અકસ્માત જાેવા ઉભા રહેલાં લોકોને પુરપાટ ઝડપે આવતી ગાડીએ કચડી નાંખ્યાં. આ ઘટનામાં ફરજ પરના બે પોલીસકર્મી સહિત કુલ ૯ લોકોના મોત નિપજ્યાં છે. આ ઘટના બાદ તુરંત જ ગુજરાતના ગૃહરાજ્ય અને વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ મૃતકોના પરિવારની મુલાકાત લીધી હતી. અકસ્માત અંગે ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે, પુરપાટ ઝડપે કાર ચલાવી લોકોને મોતને ઘાટ ઉતારનારા આરોપી નબીરા તથ્ય પટેલને છોડવામાં નહીં આવે. તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. આરોપી બાપ-બેટાને કાયદાનું ભાન કરાવીશું.
અમદાવાદના ઇસ્કોન બ્રિજ પર ગત રાત્રે થયેલ અકસ્માત ખૂબ દુઃખદ છે. અકસ્માતમાં જીવ ગુમાવનાર મૃતકોના પરિવારજનો પ્રત્યે આત્મીય સંવેદના વ્યક્ત કરું છું. ઇજાગ્રસ્તો ઝડપથી સાજા થાય તેવી ઈશ્વરને પ્રાર્થના. રાજ્ય સરકાર મૃતકોના પરિવારજનોને રૂ. ૪ લાખ અને ઇજાગ્રસ્તોને રૂ. ૫૦,૦૦૦ની સહાય કરશે.