અમદાવાદ,તા.૧
ઘરેલુ હિંસા અને શોષણથી કંટાળીને આયેશા નામની એક યુવતીએ થોડા દિવસો પહેલા અમદાવાદના રિવરફ્રન્ટ ઉપરથી સાબરમતી નદીમાં ઝંપલાવીને મોતને ગળે લગાવ્યું હતું. આ મામલે રિવરફ્રન્ટ પોલીસે આયેશાના પતિ આરીફ ખાનની રાજસ્થાનથી ધરપકડ કરીને તેને મેટ્રોકોર્ટમાં રજૂ કરીને તેના કયદેસરના ત્રણ દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. રિમાન્ડ પૂર્ણ થયા બાદ તેને જેલ હવાલે મોકલી દેતા આરીફે પોતાના વકીલ મારફતે સેશન્સ કોર્ટમાં રેગ્યુલર જામીન અરજી દાખલ કરાવી હતી. જે મામલે કોર્ટમાં સુનાવણી હાથ ધરાતા નામદાર કોર્ટે બંને પક્ષોને સાંભળ્યા બાદ આરીફની જામીન અરજીને ફગાવી દીધી હતી.
વટવામાં આયેશાના માતા પિતાનું ઘર આવેલું છે. આરીફ જાેડે લગ્ન કર્યા બાદ છેલ્લા કેટલાક સમયથી તે પોતાના માતા પિતાની સાથે જ રહેતી હતી. તેનો પતિ તેને હેરાન પરેશાન કરતો હતો સાથે જ દહેજની લાલચ રાખીને તેના ઉપર અત્યાચાર ગુજારતો હતો. આરીફના ત્રાસથી કંટાળી ગયેલી આયેશાએ સાબરમતી નદીમાં કૂદીને પોતાનું જીવન ટૂંકાવતા પહેલા તેણે એક વિડીયો બનાવી હતી જેમાં તેણે પોતાની આપવીતી બયાન કરી હતી અને ત્યારબાદ તેણે તે વીડિયોને સોશિયલ મીડિયામાં વાઇરલ કરી દઈને મોતને ગળે લગાવી લીધી હતી.