આયુષ્માન ભારત યોજના અંતર્ગત ઉચ્ચ ગુણવત્તાયુક્ત સેવા પુરી પાડવા માટે જીસીએસ હોસ્પિટલ સન્માનિત
અમદાવાદ,
આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (AB PM-JAY) અંતર્ગત ઉચ્ચ ગુણવત્તાયુક્ત સેવા પૂરી પાડવા માટે જીસીએસ હોસ્પિટલને સન્માનિત કરવામાં આવી હતી. જિલ્લા કલેકટર કચેરી દ્વારા દસક્રોઇ ખાતે યોજાયેલી સ્વતંત્રતા દિવસની ઉજવણીના ભાગરૂપે યોજાયેલ કાર્યક્રમમાં જીસીએસ હોસ્પિટલ વતી મૌલી શાહ (મેનેજર – ફ્રન્ટ ઓફિસ) અને ડો. તૃપ્તિ પટેલ (આયુષ્માન ભારત યોજના કોઓર્ડિનેટર) દ્વારા પ્રમાણપત્ર સ્વીકારવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં શ્રીમતી વિભાવરી દવે (મહિલા અને બાળ કલ્યાણ, શિક્ષણ અને યાત્રાધામ મંત્રી, ગુજરાત સરકાર), શ્રી સંદિપ જે. સાગલે (કલેકટર અને જિલ્લા મેજિસ્ટ્રેટ, અમદાવાદ), અને અન્ય મહાનુભાવોના હસ્તે હોસ્પિટલોને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા. આયુષ્માન ભારત હેઠળ 15થી વધુ સ્પેશિયાલિટીઓ માટે જીસીએસ હોસ્પિટલ દર વર્ષે લગભગ 10,000 લાભાર્થીઓને સારવાર પૂરી પાડે છે, જેમાં હૃદયરોગ, મગજ અને કરોડરજ્જુ, પાચનતંત્ર , કિડનીના રોગો, આંખ, નાક ગળાના રોગો, હાડકાના રોગો, સ્ત્રીરોગ, કેન્સર અને અન્ય સ્પેશિયાલિટીની સારવારનો સમાવેશ થાય છે.
જીસીએસ હોસ્પિટલ એ NABH સ્વીકૃત (પ્રિ-એન્ટ્રી લેવલ) 1000-બેડની હોસ્પિટલ છે. શ્રેષ્ઠ તબીબી કુશળતા, અલ્ટ્રા-મોડર્ન ઇન્ફ્રાસ્ટ્રકચર અને સુવિધાઓ તેમજ સમાજ સેવાના ઉદ્દેશ સાથે, જીસીએસ હોસ્પિટલ આજે સમાજના તમામ પ્રકારના લોકોને નજીવા દરે નિદાનથી લઇ સારવાર આપવા કાર્યરત છે.