ન્યુ દિલ્હી,તા.૧
ઓગસ્ટનાં પ્રથમ દિવસે સામાન્ય જનતાને મોંઘવારીનો આંચકો લાગ્યો છે. સરકારી પેટ્રોલિયમ કંપનીઓએ એલપીજી ગેસ સિલિન્ડરનાં ભાવમાં વધારો કર્યો છે. દેશની સૌથી મોટી પેટ્રોલિયમ કંપની ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન (IOC)એ ૧૯ કિલો કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં ૭૩.૫૦ રૂપિયાનો વધારો કરી દીધો છે. આ પછી, દેશની રાજધાની દિલ્હીમાં ૧૯ કિલો કોમર્શિયલ ગેસ સિલિન્ડર ૧૬૨૩ રૂપિયા પ્રતિ સિલિન્ડર થઈ ગયું છે. ૧૪.૨ કિલો ઘરેલુ સિલિન્ડરની કિંમતમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.
વાહન ઈંધણથી માંડીને ખાદ્યતેલ સુધીનાં ભાવ આ સમયે આસમાને પહોંચી ગયા છે, આ દરમ્યાન ઓઇલ કંપનીઓએ વધુ એક મોટો ફટકો આપીને નાગરિકોની ચિંતામાં વધારો કરી દીધો છે. આજે એટલે કે ૧ ઓગસ્ટથી દેશની સૌથી મોટી પેટ્રોલિયમ કંપની ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશને ૧૯ કિલો કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં ૭૩ રૂપિયાથી વધુનો વધારો કર્યો છે. જાહેર કરવામાં આવેલા નવા ભાવ ૧લી ઓગસ્ટથી લાગુ કરી દેવામાં આવ્યા છે. હવે તમારે દિલ્હીમાં કોમર્શિયલ ગેસ સિલિન્ડર માટે ૧૬૨૩ રૂપિયા ચૂકવવા પડશે. જણાવી દઇએ કે, ઘરેલું સિલિન્ડરની કિંમતોમાં ગયા મહિને જ વધારો થયો છે. ૧ જુલાઈનાં રોજ ૧૪.૨ કિલો ઘરેલૂ ગેસ સિલિન્ડરની કિંમતમાં ૨૫.૫૦ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો. આ વર્ષે ઘરેલું સિલિન્ડરની કિંમતમાં ૧૩૮.૫૦ રૂપિયાનો વધારો થયો છે. આ વર્ષે ૧ જાન્યુઆરીએ દિલ્હીમાં એલપીજી સિલિન્ડરની કિંમત ૬૯૪ રૂપિયા હતી. જે હવે ૮૩૪.૫૦ રૂપિયામાં મળી રહ્યો છે. દેશનાં અન્ય મોટા શહેરોમાં ૧૪.૨ કિલો સિલિન્ડરની કિંમતમાં પણ ફેરફાર જાેવા મળી રહ્યો છે. દિલ્હીમાં સબસિડી વગરનાં ૧૪.૨ કિલોનાં સિલિન્ડરની કિંમત ૮૩૪.૫૦ રૂપિયા, કોલકાતામાં ૮૬૧ રૂપિયા, મુંબઈમાં ૮૩૪.૫૦ રૂપિયા અને ચેન્નઈમાં ૮૫૦.૫૦ રૂપિયા છે.
જણાવી દઇએ કે, દર મહિનાની પહેલી તારીખે કિંમતો નક્કી કરવામાં આવે છે. સરકારી ઓઇલ માર્કેટિંગ કંપનીઓ દર મહિનાની પહેલી તારીખે ગેસ સિલિન્ડરની કિંમતોની સમીક્ષા કરે છે. આ પછી, તેઓ કિંમત વધારવા અથવા ઘટાડવાનું અથવા તેને યથાવત રાખવાનું નક્કી કરે છે.