અલ્હાબાદ,
યુપીની અલ્હાબાદ હાઈકોર્ટે મંગળવારે થયેલી લવ જેહાદના એક કેસની સુનાવણી દરમિયાન ઈતિહાસનુ ઉદાહરણ આપ્યુ હતુ. હાઈકોર્ટે કહ્યુ હતુ કે, માત્ર લગ્ન માટે ધર્મ પરિવર્તન કરવુ સરાસર ખોટુ છે. ધર્મ આસ્થાનો વિષય છે.
આ મામલામાં કોર્ટે મુઘલ બાદશાહ અકબર અને તેના પત્ની જાેધાબાઈનુ ઉદાહણ આપ્યુ હતુ. કોર્ટે કહ્યુ હતુ કે, બળજબરીથી થતા ધર્મ પરિવર્તનમાં કોઈ ધર્મ માટે વિશ્વાસ નથી હોતો. આ પ્રકારનુ ધર્મ પરિવર્તન દબાણના કારણે થાય છે. માત્ર લગ્ન કરવા માટે કરવામાં આવતુ ધર્મ પરિવર્તન નિરર્થક છે. તેને બંધારણ પણ માન્યતા આપતુ નથી.
કોર્ટે કહ્યુ હતુ કે, અકબરે જાેધાબાઈ સાથે ધર્મ પરિવર્તન વગર લગ્ન કર્યા હતા. બંનેએ એક બીજાના ધર્મનુ સન્માન કર્યુ હતુ અને ધાર્મિક ભાવનાઓનો આદર કર્યો હતો. બંને વચ્ચેના સબંધમાં ધર્મ કયારે્ય આડો આવ્યો નહોતો.
ઉલ્લેખીય છે કે, યુપીના એટા જિલ્લાના એક કેસમાં યુવક પર આરોપ મુકાયો છે કે, તેણે પહેલા હિન્દુ યુવતીને અંધારામાં રાખીને ધર્મ પરિવર્તન કરાવ્યુ હતુ અને બાદમાં નિકાહ કર્યા હતા. યુવતીએ જજ સમક્ષ આ વાત કબૂલી હતી અને તેના આધારે યુવકને જેલમાં ધકેલી દેવાયો છે. જાવેદ નામના યુવકની જામીન અરજીની સુનાવણી દરમિયાન કોર્ટે ઉપરોક્ત ટિપ્પણી કરી હતી અને યુવકની જામીન અરજી ફગાવી દીધી હતી.