અમિત પંડ્યા
AMCના અધિકારીઓ જ્યારે આ રખડતા ઢોરોને પાંજરે પુરવા તામજામ લઈને નીકળે છે તે જ સમયે અગાવથી ઢોર માલિકોને જાણ કરવામાં આવી રહી છે તેવી વાતો લોકમુખે ચર્ચાઈ રહી છે
અમદાવાદ,તા.૨૨
ગુજરાત હાઇકોર્ટ દ્વારા તંત્રને રોડ-રસ્તા પર રખડતા ઢોરોને લઈને વારંવાર ટકોર કરવામાં આવે છે. હાઇકોર્ટ દ્વારા રોડ પર રખડતા ઢોરો પાંજરે પુરવા દિશાનિર્દેશ આપવામાં આવી રહ્યા છે અને ફટકાર લગાવવામાં આવી રહી છે, તેમ છતા આ દિશાનિર્દેશને ઘોળીને પી ગયા છે અને આ જનતા તેનો ભોગ બની રહી છે.
હાલ વસ્ત્રાલ રિંગ રોડ પર આવેલ રિલાયન્સ પેટ્રોલ પંપની પાછળના ભાગમાં રખડતા ઢોરોનો જમાવડો જોવા મળી રહ્યો છે. આ રખડતા ઢોરોના જમાવડાના કારણે જો કોઈ વ્યક્તિને કઈપણ થાય તો તે માટે કોણ જવાબદાર ગણાશે ? શું તંત્ર કોઈ બનાવ બનવાની રાહ જોઈ રહ્યું છે..?
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ના અધિકારીઓ દ્વારા જ્યારે આ રખડતા ઢોરો પાંજરે પુરવા તામજામ લઈને નીકળે છે તે સમયે અગાવથી ઢોર માલિકોને જાણ કરવામાં આવી રહી છે તેવી વાતો લોકમુખે ચર્ચાઈ રહી છે, કોર્પોરેશનની ગાડીની સાથે-સાથે અનેક ઢોર માલિકો પણ જોવા મળે છે.
કોઈ ઘટના ઘટે એ પહેલા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ના અધિકારીઓ દ્વારા આ અંગે યોગ્ય કાર્યવાહી હાથ ધરવામાં આવે તેવી લોકમાંગ ઉભી થઇ છે.