આ ઘટનાની જાણ તાત્કાલિક 108ને કરતા તેઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા.
સિક્યુરિટી ગાર્ડ સાથે પણ ગ્રાહકે ઝપાઝપી કરી હતી અને બાદમાં સિક્યુરિટી ગાર્ડ દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું હતું.
અમદાવાદ,
અમદાવાદના સરદાર નગરમાં આવેલ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની બ્રાન્ચમાં ફાયરિંગની ઘટના સામે આવતા પોલીસ તંત્રમાં ભારે દોડધામ જોવા મળી હતી. સિક્યુરિટી ગાર્ડે બપોરના સમયે ફાયરિંગ કર્યું હતું. ફાયરિંગની ઘટનામાં બેંકના મહિલા કર્મચારી ઘાયલ થયા હતા. આ ઘટનાની જાણ તાત્કાલિક 108ને કરતા તેઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને ઈજાગ્રસ્તને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. આ અંગે પોલીસે ફરિયાદ દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
અમદાવાદમાં ક્રાઈમની ઘટનાઓ દિવસે દિવસે સતત વધતી જોવા મળી રહી છે. ત્યારે શહેરના સરદારનગર પાસે આવેલ એસબીઆઈ (SBI) બેંકમાં સિક્યુરિટી ગાર્ડે ફાયરિંગ કર્યું હતું. બેંકમાં આવેલ એક ગ્રાહકે બેસવા માટે ખુરશી માંગી હતી. પરંતુ બેંકના કર્મચારીએ બેસવા માટે ખુરશી ન આપતા બન્ને વચ્ચે ઝપાઝપી થઈ હતી. આ જોતા બહાર ઉભેલા સિક્યુરિટિ ગાર્ડ તરત જ ભાગી અંદર આવી ગયો હતો અને બન્નેને છોડાવવા લાગ્યો હતો. પરંતુ ગ્રાહક સીધો સિક્યુરિટિ ગાર્ડને મારવા લાગ્યો હતો.
સિક્યુરિટી ગાર્ડ સાથે પણ ગ્રાહકે ઝપાઝપી કરી હતી અને બાદમાં સિક્યુરિટી ગાર્ડ દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું હતું. હાલમાં સમગ્ર ઘટનાને લઈ બેંક બંધ કરવામાં આવી છે અને એફએસએલની મદદ એરપોર્ટ પોલીસ દ્વારા લેવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે. હાલ પોલીસે ફરિયાદ દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.