“Thanks Giving” બેનર હેઠળ અમદાવાદ શહેર પોલીસ ઝોન-2 દ્વારા આયોજિત રથયાત્રા ૨૦૨૨ શાંતિ સમિતિ તથા યુથ કમિટી અભિવાદન સમારોહ યોજાયો
શાંતિ પૂર્ણ માહોલમાં રથયાત્રા પરિપૂર્ણ થતાં શાંતિ સમિતિ તથા યુથ કમિટીના સભ્યોનું સન્માન કરવામાં આવ્યું
અમદાવાદ,
દેશ સહિત ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી કોમી વાતાવરણ ખરાબ કરવાનું કાવતરું ઘડાઈ રહ્યું છે ત્યારે અમદાવાદમાં જગન્નાથજીની ૧૪૫મી રથયાત્રા ૧ જુલાઈએ પુરી થઈ હતી. આ વર્ષે રથયાત્રાને લઈને એલર્ટ આપવામાં આવ્યું હતું. છતાં પોલીસે પોતાની પુરી મહેનત સાથે રથયાત્રા યોજી હતી. જેમાં તમામ કોમના લોકોને સાથે રાખીને પોલીસે અલગ અલગ કાર્યક્રમ કર્યાં હતા.
આ વખતે પોલીસે તમામ લોકોને સાથે રાખીને રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ કરી હતી જે પુરી થતા “Thanks Giving” બેનર હેઠળ અમદાવાદ શહેર પોલીસ દ્વારા શાંતિ સમિતિ અને યુથ કમિટીનું અભિવાદન સમારોહ રાખવામાં આવ્યું હતું. જ્યાં તમામ કોમના આગેવાનોનું સન્માન કરવામાં આવ્યું હતું.
અમદાવાદ પોલીસ દ્વારા ખાનપુરમાં આવેલ રાઇફલ કલબ ખાતે શાંતિ સમિતિ તથા યુથ કમિટીનો અભિવાદન સમારોહ રાખવામાં આવ્યો હતો. આ સમારોહમાં પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ, ઝોન-૨ ડીસીપી, એસીપી તથા પીઆઇ સહિતના પોલીસ અધિકારીઓ હાજર રહ્યા હતા.
આ સમારોહમાં સ્થાનિક હિન્દૂ તથા મુસ્લિમ સમુદાયના અગ્રણીઓ તથા યુથ કમિટીના યુવાઓ સાથે રહ્યા હતા જેમનું પોલીસ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. તમામ લોકોએ કાર્યક્રમ પૂરો થતાં ભોજન પણ સાથે કર્યું હતું અને આગામી સમયમાં આ પ્રકારે જ કોમી એકતા દાખવી સાથ સહકાર આપવા બાંહેધરી આપી હતી.