Safeer News

Breaking News from Ahmedabad

અમદાવાદ

અમદાવાદ : કોની મીલીભગતથી વસ્ત્રાલ વિસ્તારમાં દબાણોનું સામ્રાજ્ય..?

અમિત પંડ્યા

ગુજરાત હાઇકોર્ટની ટકોરને પણ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ ખાતું ઘોળીને પી ગયું તેવું લાગે છે

અમદાવાદ,તા.૧૬

અમદાવાદ શહેરના પૂર્વમાં ઝડપથી વિકસિત વસ્ત્રાલ વિસ્તારમાં યોગ્ય પ્લાન પાસ કરાવી યેનકેન પ્રકારે BU પરમિશન મેળવી લેવાય છે ત્યાર બાદ વિસ્તારમાં આવેલ મોટા ભાગના શોપિંગ કોમ્પલેક્ષમાં એસ્ટેટ ખાતાની મીલીભગતથી ગેરકાયદેસરમાં દબાણનો રાફડો ફાટયો છે. વસ્ત્રાલ વિસ્તારમાં આવેલ મોટા ભાગના શોપિંગ મોલ તથા રહેણાક સોસાયટી એસ્ટેટ ખાતાની રહેમ નજર હેઠળ દબાણો થઈ રહ્યા છે.

રોડ તરફના રહેણાક મકાનોમાં માર્જિનની જગ્યામાં કોમર્શિયલ બાંધકામો થઈ રહ્યા છે. ફ્લેટની બહાર આવેલા શોપિંગમા ઈમરજન્સી ગેટ માટે આપેલી જગ્યાઓ પણ દબાણ થતાં ત્યાં પણ કોમર્શિયલ પ્રવૃત્તિઓ ધમધમી રહી છે્. શોપિંગ મોલ તથા મોટાભાગમાં રહેણાક ફ્લેટની બહારની દુકાનોમાં બહારની બાજુ વિવિધ સ્ટોલને મંજૂરી આપી મસમોટા ભાડા ઉઘરાવાતા હોય તેમ લાગી રહ્યું છે. મોલની બહારના ભાગમાં સ્ટોલ કોઈની રહેમ નજર હેઠળ બે રોકટોક ચાલે છે. ઉપરાંત વસ્ત્રાલ રિંગ રોડ પર આવેલ વેદ આર્કેડ મોલની બહાર અનેક પ્રકારની ખાણીપીણીની લારી ગલ્લા વાળાઓનું પણ મોટા પ્રમાણમાં દબાણ થઈ ગયેલ છે જે સાંજના 6 વાગ્યા બાદ મોટા પ્રમાણમાં દબાણ કરી રહ્યા છે જેના કારણે સર્વિસ રોડ પર ટ્રાફિક જામ થાય છે અને નાના મોટા અકસ્માત થતાં હોય છે. ઉપરાંત રિલાયન્સ પેટ્રોલ પંપની પાછળ પણ શાકમાર્કેટ ભરાય છે ત્યાં પણ મોટા પ્રમાણમાં દબાણ છે આવું બીજું શાકમાર્કેટ રતનપુરા વિસ્તારમાં મુખ્ય રોડ પર ભરાય છે. સાથે સાથે આ વિસ્તારમાં અનેક આવા શોપિંગ સેન્ટરની બહાર વિવિધ લારી કે, સ્ટોલ ઊભા થઈ જવાના કારણે લોકો રોડ પર પોતાના વાહનો પાર્ક કરવા મજબૂર બન્યા છે જેના કારણે ટ્રાફિક પોલીસ ક્રેન મારફતે વાહનો ટ્રોય કરે છે પરંતુ ત્યાં ટ્રાફિકને અડચણ રૂપ ખાણીપીણીના લારી-ગલ્લાને કઈ નથી કહેતા. આવું ખાલી મોલની આસપાસ નથી પરંતુ સમગ્ર વિસ્તારની આવી જ પરિસ્થિતિ છે. મોટાભાગના શોપિંગ કોમપલેકસમાં દુકાનદારો વિવિધ પ્રકારના લારીગલ્લા મૂકી ભાડાની વસુલાત કરી રહ્યા છે. આ ઉપરાંત કેટલીક રોડ પર આવેલ ડુપ્લેકસ સોસાયટીમા રહેણાકના બદલે શેડ બનાવી દુકાનો તૈયાર કરવામાં આવી છે ત્યાં બેરોકટોક ધંધાકીય કાર્ય કરવામાં આવી રહ્યું છે.

સોસાયટીના લોકોએ આ અંગેની લેખિતમાં વારંવાર રજૂઆત કરવામાં આવી છતાં પણ એસ્ટેટ ખાતા દ્વારા દબાણ દૂર કરવા માટે કોઈ પણ પ્રકારની કાર્યવાહી હાથ ધરવામાં નથી આવી રહી અને જો કાર્યવાહી કરવા દબાણની ગાડી પહોંચે તે પહેલાં તો લારી ધારકને પહેલા થી સમાચાર આપી દેવામાં આવે છે જેથી કરીને તે સમયે તેઓ પોતાની લારી ત્યાંથી ખસેડી લે છે. કારણ કે, લારી વાળાઓ દ્વારા નિયમિત રીતે હપ્તા આપવામાં આવે છે તેવું લાગી રહ્યું છે. આં હપ્તા રાજ બંધ કરી ગુજરાત હાઇકોર્ટના દિશાનિર્દેશ મુજબ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું પૂર્વ ઝોન એસ્ટેટ ખાતા દ્વારા કોઈ નક્કર કાર્યવાહી થાય તેવી માંગ ઉઠી છે.

વસ્ત્રાલ વિસ્તારના લોકોની માંગણી છે કે, આવા દબાણો હટાવવા માટે અધિકારીઓ દ્વારા સાંજના 6 વાગ્યા પછી કાર્યવાહી કરવામાં આવે અને નક્કર પગલાં લેવામાં આવે અને ફરીથી આ જગ્યા પર લારીનું દબાણ ફરીથી ન થાય તેનું આયોજન કરી દબાણ હટાવવાની કાર્યવાહી થાય

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *