અમદાવાદ, તા.૧૫
ઉત્તરાયણના તહેવાર દરમિયાન દોરીના કારણે ગળામાં ઇજા અને અકસ્માતના બનાવો બનતાં હોય છે. સાંજ સુધીમાં રાજ્યમાં દોરીના કારણે ઇજાના ૨૪૮ જેટલા બનાવો બની ચૂક્યા છે. જેમાં સૌથી વધુ અમદાવાદમાં ૭૪ લોકો દોરીથી ઈજાગ્રસ્ત થયા છે. જેમાં સિંગરવા નજીક એક યુવકનું દોરીથી ગળું કપાતા શારદાબેન હોસ્પિટલમાં ખસેડાયો હતો, ભાવનગરમાં પણ હેવમોર ચોક પાસે એક વૃદ્ધ દોરીથી ઈજાગ્રસ્ત થતા સર ટી હોસ્પિટલ ખસેડાયા હતા. ઉપરાંત રાજકોટમાં પણ વધુ ચાર દોરી વાગવાના બનાવો બન્યા હતા, જે તમામને ઇજા થતા ૧૦૮માં સિવિલ ખાતે સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. આમ રાજકોટ ૨૬, વડોદરામાં ૨૮ તથા સુરતમાં ૨૭ લોકો દોરીથી ઘવાયા છે. આ પહેલા આજે સવારે અમદાવાદમાં ચમનપુરા પાસે બાઇક લઈને જતા ૩૨ વર્ષીય વ્યક્તિના ગળામાં દોરી આવતા ઈજાગ્રસ્ત થયા હતા. એરપોર્ટ રોડ તરફ ઈન્દિરાબ્રિજ પાસે પણ બાઇક લઈને જતાં ૫૦ વર્ષીય વ્યક્તિના ગળામાં દોરી આવી જતાં ઇજાગ્રસ્ત થયા છે. સુભાષબ્રિજ કેશવનગરમાં રસ્તા પર ચાલતા જતા ૭૬ વર્ષીય મહિલાના ગળામાં દોરી આવી જતાં ઇજા થઇ હતી. અમદાવાદમાં જ ૭૪ બનાવો સામે આવ્યાં છે. તમામ ઈજાગ્રસ્તોને ૧૦૮ મારફતે સારવાર આપવામાં આવી હતી. ૧૦૮ ઇમરજન્સી એમ્બ્યુલન્સને રાતે ૯ વાગ્યા સુધીમાં ૩૩૬૭ જેટલા કોલ મળ્યા છે. જ્યારે ગત વર્ષે ૧૦૮ને ૨૯૨૫ ઈમરજન્સી કોલ મળ્યા હતા. જેમાં ૭૪ બનાવ ગળામાં દોરી વાગવાના, ૨૭૫ બનાવ નીચે પડવાના બન્યા છે. જેમાં તમામમાં તેઓને ૧૦૮ મારફતે સારવાર આપવામાં આવી હતી અને હોસ્પિટલમાં મોકલી આપવામાં આવ્યા હતા.