કોઈપણ વ્યક્તિ બ્રિજના આ છેડેથી પેલા છેડે જઈ માત્ર લટાર મારીને પાછો આવે તો પણ અડધો કલાક થઈ જાય છે.
અમદાવાદ,તા.૦૨
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સાબરમતી નદી પર પૂર્વ અને પશ્ચિમ છેડાને જોડતો અટલ ફૂટ ઓવર બ્રિજ બનાવી ખુલ્લો મુકવામાં આવ્યો છે, જે શહેરની પ્રજા માટે એક નાવિન્ય ગણી શકાય, પરંતુ બ્રિજ ખુલ્લો મુક્યાને ૨૪ કલાકમાં જ શાસકોએ તેમનું પોત પ્રકાશ્યું હોય તેમ કાંકરિયાની જેમ એન્ટ્રી ફી ઉઘરાવવાનુ શરૂ કરી દેતા શહેરીજનોમાં ભારે નારાજગી વ્યાપી ગઈ છે.
શહેરીજનોની લાગણીને વાચા આપતા સામાજિક કાર્યકર બુરહાનુદ્દીન કાદરીએ જણાવ્યું છે કે, “મ્યુનિસિપલ કોર્પોરેશને અટલ ફૂટ ઓવર બ્રિજની એન્ટ્રી ફી રદ કરી હાલનો સમયગાળો જે અડધા કલાકનો રાખવામાં આવ્યો છે તે વધારી એક કલાક કરી દેવો જોઈએ. કારણ કે એક વખત પ્રવેશ કર્યા બાદ કોઈપણ વ્યક્તિ બ્રિજના આ છેડેથી પેલા છેડે જઈ માત્ર લટાર મારીને પાછો આવે તો પણ અડધો કલાક થઈ જાય છે. તો પછી અંદર ધંધો કરનારા લોકોનો ધંધો કઈ રીતે ચાલી શકશે ? કયો વ્યક્તિ માત્ર લટાર મારવાના ૩૦ રૂપિયા ખર્ચે ?”
વધુમાં સામાજિક કાર્યકર બુરહાનુદ્દીન કાદરીએ જણાવ્યું છે કે, “શરૂ શરૂમાં લોકો ઉત્સુકતા ખાતર ફી આપશે, પરંતુ ત્યારબાદ બ્રિજને દૂરથી જોઈને સંતોષ માનશે. આથી કોર્પોરેશને ના છૂટકે એન્ટ્રી ફી રદ કરવી પડશે. એ પહેલા જ મ્યુનિસિપલ શાસકો એન્ટ્રી ફી રદ કરી સમયગાળો વધારે તે જરૂરી છે.”