ન્યૂયોર્ક પોલીસના જણાવ્યા અનુસાર, હુમલાખોરને રશ્દીના કાર્યક્રમમાં હાજર લોકોએ પકડી લીધો હતો. આ કથિત હુમલાવરને કસ્ટડીમાં લઈને પૂછપરછ શરૂ કરવામાં આવી
અમેરિકાના ન્યુયોર્કમાં એક ઈવેન્ટ દરમિયાન ચાકુ મારવામાં આવતા અંગ્રેજીના પ્રખ્યાત લેખક સલમાન રશ્દીની હાલત હજુ પણ નાજુક છે. રશ્દીના નજીકના સહયોગીઓએ જણાવ્યું હતું કે હુમલામાં તેને ગંભીર ઈજાઓ થઈ હતી અને તે એક આંખ ગુમાવી શકે છે.
પોલીસે રશ્દી પર હુમલો કરનાર વ્યક્તિની ઓળખ જાહેર કરી છે. એવું કહેવામાં આવ્યું છે કે હુમલાખોર હાદી માતર છે, જે ન્યુ જર્સીનો રહેવાસી છે. તેની ઉંમર માત્ર 24 વર્ષની છે. ન્યૂયોર્ક પોલીસના જણાવ્યા અનુસાર, હુમલાખોરને રશ્દીના કાર્યક્રમમાં હાજર લોકોએ પકડી લીધો હતો. આ કથિત હુમલાખોરને કસ્ટડીમાં લઈને પૂછપરછ શરૂ કરવામાં આવી છે. દરમિયાન હાદી માતર અંગેના ખુલાસા મુજબ હુમલાખોર પાસે પ્રોગ્રામ પાસ હતો. તે સત્તાવાર રીતે ન્યૂયોર્કના મેનહટનમાં ફેરવ્યૂ નજીક રહેતો હતો.
પોલીસનું કહેવું છે કે મતારાએ શા માટે રશ્દી પર હુમલો કર્યો તે હજુ સ્પષ્ટ નથી. જો કે આ કેસમાં એફબીઆઈ પણ સામેલ થઈ છે. સ્થળ પરથી એક બેગ અને કેટલાક ઈલેક્ટ્રોનિક ઉપકરણો મળી આવ્યા હતા. કેટલાક અહેવાલો એવું પણ કહે છે કે માતર ઈરાનનો મોટો સમર્થક છે. તેમના ફેસબુક એકાઉન્ટમાં ઈરાનના ભૂતપૂર્વ સર્વોચ્ચ નેતા આયાતુલ્લાહ ખોમેની અને વર્તમાન સર્વોચ્ચ નેતા આયતુલ્લાહ ખામેનીની તસવીરો પણ છે. 1989માં, ખોમેનીએ રશ્દી વિરુદ્ધ ફતવો બહાર પાડ્યો અને તેમના પુસ્તક, ધ સેટેનિક વર્સિસના પ્રકાશનની નિંદા કરી.
અમેરિકન મીડિયા ગ્રુપ મુજબ, હાદી માતરે ઈરાન અને ઈરાનના સુપ્રીમ લીડરની અંગત સેના રિવોલ્યુશનરી ગાર્ડ્સના સમર્થનમાં પણ ઘણી પોસ્ટ કરી છે. તેણે શિયા ઉગ્રવાદને પ્રોત્સાહન આપવા પર પણ ભાર મૂક્યો છે. આ જ અહેવાલમાં જણાવાયું છે કે માતર કાર્યક્રમમાં કાળા કપડાં અને કાળો માસ્ક પહેરીને પહોંચ્યા હતા. સાક્ષીઓએ ચેનલને જણાવ્યું કે જ્યારે હુમલાખોર સ્ટેજ પર ચઢ્યો ત્યારે લોકોને લાગ્યું કે તે સ્ટંટ કરવા જઈ રહ્યો છે. પરંતુ 20 સેકન્ડમાં જ સ્પષ્ટ થઈ ગયું કે આ વાસ્તવિક હુમલો હતો. આ ઘટના દરમિયાન કાર્યક્રમનું સંચાલન કરી રહેલા હેનરી રીસને પણ માથામાં ઈજા થઈ હતી. હુમલાખોરે રીસને પણ ઇજા પહોંચાડી હોવાના અહેવાલ છે. તેઓ રશ્દી સાથે અલગ-અલગ દેશોમાંથી બહાર કાઢવામાં આવેલા કલાકારોને આશ્રય આપવાના મુદ્દા પર વાત કરવાના હતા.