(અબરાર એહમદ અલવી)
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની શાહપુર ખાતે આવેલી ઓફિસમાં જુગાર રમતા કર્મચારીઓ ઝડપાયા હોવાનું સામે આવ્યું છે. એએમસી શાહપુર રંગીલા મસ્ટર ઓફિસમાં જુગાર રમતા કર્મચારીઓનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.
એક તરફ AMCની ઓફીસમાં સામાન્ય લોકોને કોઈપણ સમસ્યાની ફરિયાદ કરવા માટે ધક્કા ખાવા પડે છે તો બીજી તરફ AMC ઓફિસનો આ વીડિયો વાયરલ થતા સવાલ થાય છે કે શું અધિકારીઓને કામ કરવા કરતા જુગાર રમવામાં રસ છે..? આ અંગે કેવી કાર્યવાહી કરવામાં આવશે તે જોવાનું રહ્યું.
વીડિયો અંગે પ્રાપ્ત માહિતી પ્રમાણે, દરિયાપુર વોર્ડના કાઉન્સિલર શેખ સમીરા માર્ટીને વીડિયો બનાવ્યો હતો. તેઓ જણાવે છે કે, અમે તા.:૧૧/૦૬/૨૦૨૫ના રોજ મહિનાઓથી પબ્લિકના પ્રાથમિક સુવિધાના પ્રશ્નોનું નિરાકરણ ન આવતું હોવાથી શાહપુર રંગીલા મસ્ટર ખાતે પ્રજાની ફરિયાદ લઈને પહોંચ્યા ત્યારે શાહપુર મસ્ટરના બંધ બારણામાંથી અંદરથી અવાજ સંભળાતા ઓફીસની પાછળની બાજુના દરવાજાથી અમો ઓફિસની અંદર જોયું ત્યારે ચોંકી ઊઠ્યા હતા. આગળ થી દરવાજો બંધ કરી ઓફિસ ટાઈમમાં ઓફિસમાં કર્મચારીઓ ઓફિસ ટેબલ પર જુગાર રમી રહ્યા હતા. તે શરમજનક દ્રશ્યો અમોએ અમારા મોબાઈલમાં રેકોર્ડિંગ કરી લીધા હતા. મ્યુનિસિપલ કર્મચારીઓ પ્રજાના પ્રશ્નો મહિનાઓથી ઉકેલતા નથી અને ફરજ દરમ્યાન ચાલુ નોકરીએ સરકારી ઓફીસમાં જુગાર રમી રહ્યા છે. આ બાબતે મુખ્ય ઓફિસ અધિકારીશ્રી A.C.E. ની પણ કાળજી નહીં રાખવા માટેની જવાબદારી થાય છે માટે જુગાર રમતા તમામ કર્મચારીઓને તાત્કાલિક સસ્પેન્ડ કરી કાનૂની કાર્યવાહી કરવા અમારી માંગ છે.
AMCની ઓફિસમાં બહારથી તાળું મરાયું હતું અને અંદર જુગાર ચાલી રહ્યો હતો. ઓફિસ ટાઇમમાં કર્મચારીઓ જુગાર રમતાં ઝડપાયા છે. પ્રજાની પ્રાથમિક સુવિધાઓ તથા સમસ્યા ઉકેલવામાં કર્મચારીઓને રસ નથી. એક તરફ આગળથી મસ્ટર ઓફિસ બંધ અને પાછળ દરવાજાથી જુગાર ધામ ચાલે છે.