શ્રીલંકાની અર્થવ્યવસ્થા સંકટ
પાડોશી દેશ શ્રીલંકાની હાલત ખરાબ થઈ રહી છે. લોકો રસ્તા પર ઉતરી આવ્યા છે. સરકાર પ્રત્યે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. આ દરમિયાન ગંભીર નાણાકીય અને રાજકીય સંકટનો સામનો કરી રહેલા શ્રીલંકાએ વધુ એક મોટો નિર્ણય લીધો છે. શ્રીલંકાના શેરબજાર કોલંબો સ્ટોક એક્સચેન્જમાં ટ્રેડિંગ એક સપ્તાહ માટે બંધ રહેશે.
શ્રીલંકાનુ શેરબજાર બંધ
શ્રીલંકા સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ કમિશન (SEC)એ આ માહિતી આપી છે. SECએ એક નિવેદન જારી કરીને જણાવ્યું હતું કે, ‘રોકાણકારોને અહીં બજાર વિશે વધુ સ્પષ્ટતા અને સમજણ ઊભી કરવાની તક આપવાના હેતુથી આ નિર્ણય લેવામાં આવ્યો છે. કોલંબો શેરબજારમાં ટ્રેડિંગ 18મી એપ્રિલથી શરૂ કરીને 22મી એપ્રિલ સુધી અસ્થાયી રૂપે બંધ રહેશે.
બોર્ડ ઓફ ડિરેક્ટર્સે વિનંતી કરી
આના એક દિવસ પહેલા કોલંબો સ્ટોક એક્સચેન્જના બોર્ડ ઓફ ડિરેક્ટર્સે એસઈસીને કામચલાઉ ધોરણે બિઝનેસ બંધ કરવા વિનંતી કરી હતી. આ માટે શ્રીલંકાની વર્તમાન આર્થિક સ્થિતિને કારણ તરીકે દર્શાવવામાં આવી હતી. શ્રીલંકામાં થોડા અઠવાડિયાથી ગંભીર આર્થિક કટોકટી અને ત્યારબાદ રાજકીય અસ્થિરતાને ધ્યાનમાં રાખીને SECએ આ મોટું પગલું ભર્યું છે.
તમને જણાવી દઈએ કે આ સમયે શ્રીલંકા પાસે ઇંધણ અને રોજબરોજની વસ્તુઓ ખરીદવા માટે પણ જરૂરી વિદેશી મુદ્રા નથી. શ્રીલંકાની સરકારે પણ વિદેશી લોનની ચુકવણી મોકૂફ રાખી છે.
શ્રીલંકા આઝાદી પછીના સૌથી ખરાબ તબક્કામાં
નોંધનીય છે કે પડોશી દેશ શ્રીલંકામાં આર્થિક વિકાસની ગતિ માત્ર બે વર્ષ પહેલા ભારત કરતા વધુ હતી. હવે એ વાત પરથી અંદાજ લગાવી શકાય છે કે વર્ષ 2020માં શ્રીલંકાની માથાદીઠ આવક બજાર વિનિમય દર અનુસાર વાર્ષિક $4053 અને ખરીદ શક્તિ સમાનતાના આધારે વાર્ષિક $13,537 હતી, એટલે કે તે ભારત કરતાં ઘણી વધુ હતી. આ સિવાય માનવ વિકાસ રિપોર્ટના આધારે 2020માં શ્રીલંકાની સ્થિતિ ભારત કરતા સારી હતી. યુનાઈટેડ નેશન્સ હ્યુમન ડેવલપમેન્ટ રિપોર્ટ 2020માં જ્યાં શ્રીલંકા 72મા ક્રમે હતું જ્યારે ભારતનું સ્થાન માત્ર 131મું હતું. પરંતુ તે પછી સ્થિતિ બદલાઈ ગઈ અને શ્રીલંકા ધીમે ધીમે ચીનના દેવાના દલદલમાં ફસાઈ ગયું અને આજે તે દેવળિયુ બની ગયું છે.