Safeer News

Breaking News from Ahmedabad

ગુજરાત

સ્વદેશી ઓળખ : હવે અંગ્રેજોનો ગોલ્ડન બ્રિજ નહિ, ભારતનો બનશે તિરંગા પુલ

ભરૂચનું આભૂષણ એવા ગોલ્ડન બ્રિજનો આજે 142મો બર્થ ડે

દેશનો ઐતિહાસિક સ્મારક ભરૂચનો સુવર્ણ પુલ સ્વદેશી રંગે રંગાશે

સ્વદેશી ઓળખ મેળવશે હવે ભરૂચનો ગોલ્ડન બ્રિજ હવે અંગ્રેજોનો નહિ, બનશે તિરંગા બ્રિજ

ભરૂચ,તા.૧૬

ગોલ્ડન બ્રિજ રિટાયર્ડ અચૂક થયો છે પરંતુ ઘરડો નહીં..

-આજે પણ અડીખમ ગોલ્ડન બ્રિજની જાળવણીની જવાબદારી આપણાં સહુની

-142 વર્ષમાં ગોલ્ડનબ્રિજ પ્રવેશી ચુક્યો છે ત્યારે ભરૂચની 2 કલર કંપનીઓ બ્રિજને ટ્રાય કલરથી રંગશે

-વર્ષ 2012માં સુવર્ણ રંગે બ્રિજ રંગાયા બાદ હવે કેસરી, સફેદ અને લીલા રંગમાં બ્રિજ જોવા મળશે.

ભરૂચ અને દેશની નવી ઓળખ મેળવશે નર્મદા મૈયા બ્રિજ

ભરૂચની નર્મદા નદી ઉપર કાર્યરત થયાને આજે 10 મહિના થઈ ગયા છે. આ વીતેલા 10 મહિનામાં ગોલ્ડન બ્રિજ ઉપરથી માંડ 10 હજાર વાહનો પણ પસાર થયા નહિ હોય. ફોરલેન નવો બ્રિજ કાર્યરત તંગી જતા ઐતિહાસિક ગોલ્ડનબ્રિજ સેવા નિવૃત થઈ ગયો હતો. આજે 16મે ગોલ્ડનબ્રિજ 142માં વર્ષમાં પ્રવેશ્યો છે ત્યારે તે હવે અંગ્રેજોનો ગોલ્ડનબ્રિજ કે સુવર્ણ પુલ નહિ રહે પણ આગામી સમયમાં સ્વદેશી ઓળખ ઉભી કરશે. ભરૂચની 2 કલર કંપનીઓએ ગોલ્ડનબ્રિજને તિરંગા રંગે રંગવાનું ધારાસભ્ય MLA દુષ્યંત પટેલના પ્રસ્તાવને સ્વિકારી આહવાન કર્યું છે. સોના કરતાં પણ જે મોંઘો છે તેવા ગોલ્ડન બ્રિજની આજે જન્મ જયંતિ છે. ગોલ્ડન બ્રિજ આજે 141 વર્ષ પૂર્ણ કરી 142માં વર્ષમાં પ્રવેશ્યો છે.

વર્ષ 2012માં સૌપ્રથમ વખત ઐતિહાસિક ગોલ્ડનબ્રિજ સુવર્ણ રંગે રંગાયો હતો. અત્યાર સુધી દેશની આ ધરોહર અંગ્રેજોની દેન તરીકે જ ખ્યાતિ પ્રાપ્ત હતો. પણ હવે તેને સ્વદેશી ઓળખ અને દેશની આન, બાન અને શાન ગણાતા તિરંગાનું સન્માન મળશે. ગોલ્ડન બ્રિજ આગામી તિરંગાના રંગે રંગાઈ દેશનો પહેલો બ્રિજ બનશે જેને આ ગૌરવ પ્રાપ્ત થશે.

141 વર્ષની અટારીથી ઐતિહાસિક બ્રિજ ઉપર એક ઝલક –

16મે 1881માં કાર્યરત થયેલો સુવર્ણબ્રિજ આજે પણ અડીખમ.

– ભરૂચ-અંકલેશ્વરની લાઈફ લાઈન ગોલ્ડનબ્રિજ વર્ષ 1965 અને 1971ના ભારત પાકિસ્તાન યુદ્ધ વખતે દેશને ઉત્તરથી દક્ષિણને જોડતો એકમાત્ર પુલ.

– બ્રિજની ડિઝાઇન સરજોન હોકશા દ્વારા બનાવી તેનું બાંધકામ ટી.વાઇટ અને જી.એમ.બેલી દ્વારા થયુ હતું.

– ચીફ રેસીડન્ટ એન્જિનિયર એફ.મેથ્યુ અને રેસીડન્ટ એન્જિનિયર એચ.જે. હારચેવ દ્વારા 7 ડિસેમ્બર 1877ના રોજ બ્રિજ બાંધવાનું શરૂ કરાયું.

– 1860માં સૌપ્રથમ નર્મદા બ્રિજ રેલવે માટે બ્રિટિશરોએ નિર્માણ કર્યો હતો.

– નર્મદા બ્રિજના સોનાનો પુલ નામ પાછળ તેને મરાયેલું સોનાનું તાળું અને તેની પાછળ સદી પેહલા જે તે સમયે થયેલો સોના જેટલો અધધ ખર્ચ.

– 140 વર્ષથી 2.80 લાખ રીવેટ, 850 ગર્ડર અને 25 સ્પામ ઉપર ટકેલો 1.3 કિમી લાંબો ઐતિહાસિક બ્રિજ.

– એવું કહેવાતું જેને સાંકડા ગોલ્ડનબ્રિજમાંથી ગાડી કાઢી લીધી તે બધે જ ચલાવી શકે.

સુવર્ણબ્રિજ સાથે આટલા વર્ષોમાં આવેલા ઉતાર ચઢાવ

– વર્ષ 2012માં થયેલા સમારકામમાં 18 હજાર નટ બોલ્ટ લગાવી અને 42 ગડરો બદલાતા બ્રિજને વધુ મજબૂતી પ્રદાન કરાતા આયુષ્ય 20 વર્ષ વધી ગયુ.

– 132 વર્ષે પ્રથમ વખત સુવર્ણ રંગે રંગાયો, વર્ષ 2012માં ગોલ્ડનબ્રિજના રંગકામમાં ત્રિપલ કોટિંગ કરાયું .

– 25 ગાળાનાં બ્રિજને ગોલ્ડન કલરથી રંગવા પાછળ એક ગાળામાં 650 લીટરથી વધુ રંગ વપરાયો ભૂકંપ અને પૂરથી પુલને વારંવાર નુકસાન

– 1863ની ભયંકર રેલમાં પુલનાં 6 ગાળા તણાયાં

– 1868ની રેલમાં ફરી 4 ગાળાને નુકસાન

– 1876ની રેલમાં પુલનો ગાળો તૂટી પડતા પારસી ઇજનેરનું મોત

– 1876માં જ બીજી રેલમાં થાંભલા તણાતા પુલ નકામો બન્યો

– 2001નાં ધરતીકંપમાં પુલનાં માર્ગ ઉપર તિરાડો પડી

અત્યાર સુધીમાં ગિલ્ડનબ્રિજ પાછળ થયેલો ખર્ચ

– રૂ. 46.93 લાખ 1860થી 1871 સુધી ખર્ચ

– રૂ. 1.50 લાખનાં ખર્ચે વર્ષ 1876માં લક્કડીયો પુલ

– રૂ. 3.07 કરોડનાં ખર્ચે 1881માં હાલનો ગોલ્ડનબ્રિજ

– રૂ. 30 લાખ ખર્ચ મરામત પાછળ વર્ષ 2001-2002

– રૂ. 66.61 લાખનાં ખર્ચે વર્ષ 2005-06માં રંગરોગાન

– રૂ. 2.36 કરોડનો ખર્ચ વર્ષ 2012માં

1941માં બ્રિજ ઉપર ટ્રેનની જગ્યાએ વાહનો દોડાવાયાં નર્મદા નદી ઉપર સૌપ્રથમ બ્રિજનું બાંધકામ 1860માં થયું હતું. 67 ગાળાનાં પુલની ઊંચાઇ 62.6 ફૂટ હતી. બ્રિજ રેલવે માટે બનાવાયો હતો. 1935માં ગોલ્ડનબ્રિજની બાજુમાં નવો પુલ બનાવાયો જેનું નામ સિલ્વર જયુબિલી બ્રિજ અપાયું. જે બાદ સિલ્વર બ્રિજ ઉપરથી ટ્રેન સેવા કાર્યરત થતા 1941 થી ગોલ્ડનબ્રિજ વાહન વ્યવહાર માટે ઉપયોગમાં લેવાયો. 1947માં આઝાદી બાદ ગોલ્ડનબ્રિજને ને.હા. નં 8 સાથે જોડી આસ્ફાલ્ટનો બનાવાયો.

દેશમાં સૌપ્રથમ ટોલટેક્ષ ગોલ્ડનબ્રિજ ઉપર નખાયો હતો

બ્રિજનાં સમારકામ અને જાળવણી માટે 1941-42માં ગોલ્ડનબ્રિજ ઉપરથી પસાર થતા વાહનચાલકો પાસેથી ટોલટેક્ષ ઉઘરાવાતો હતો. સ્વરાજય મળ્યાં બાદ ટોલટેક્ષ નાબૂદ કરાયો હતો. ગોલ્ડનબ્રિજની બન્ને છેડે મોટા ખાડા બનાવી વજનકાંટા મૂકાયા હતા. વજન થયા પછી જ બ્રિજ ઉપરથી વાહનો પસાર થવા દેવાતા હતા.

1977માં જુનો અને 2000માં નવો સરદારબ્રિજ અસ્તિત્વમાં આવ્યો, 2017માં કેબલબ્રિજ, હવે 2021માં નર્મદા મૈયા બ્રિજ કાર્યરત 1970માં નવા બ્રિજની જરૂરિયાત ઉભી થતા વડાપ્રધાન ઇન્દિરા ગાંધીનાં હસ્તે 24 એપ્રિલ 1977માં 1350 મીટર લંબાઇનાં રૂ. 120 કરોડનાં ખર્ચે બનેલા સરદાર બ્રિજનું ઉદઘાટન કરાયું હતું. જેના ઉપર પણ ટ્રાફિક ભારણ વધી જતા એલ એન્ડ ટી (L&T) દ્વારા 11 નવેમ્બર 2000માં રૂ. 113 કરોડનાં ખર્ચે નવો સરદાર બ્રિજ બનાવાયો હતો. જે બાદ માર્ચ 2017માં વડાપ્રધાન મોદીએ કેબલબ્રિજ ખુલ્લો મુક્યો હતો. 19 ડિસેમ્બર 2015ના રોજ નર્મદા મૈયા 4 લેન બ્રિજ ₹400 કરોડ ખર્ચનું ભૂમિપૂજન તત્કાલીન CM આનંદીબેન પટેલે કર્યું હતું. જેને 2021માં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે રથયાત્રાના દિવસે ખુલ્લો મુક્યો હતો.

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *