Safeer News

Breaking News from Ahmedabad

દુનિયા

સાઉદી અરેબિયાની સરકાર દ્વારા મક્કાથી પવિત્ર “આબ-એ-ઝમઝમ” પાણી લઈ જવા પર પ્રતિબંધ

પહેલાં દરેક હજયાત્રીને ૧૦ લિટર “આબ-એ-ઝમઝમ” લાવવાની છૂટ હતી, બાદમાં સાઉદી સરકારે તેને ઘટાડીને ૫ લિટર કરી દીધું

રિયાધ,તા.૧૯

મક્કાની પવિત્ર મસ્જિદ અલ-હરમથી લગભગ ૬૬ ફૂટ દૂર એક કૂવો આવેલો છે. જેને ઝમઝમ કહેવામાં આવે છે. અરબીમાં આબનો અર્થ પાણી છે. એકંદરે આ કૂવામાંથી જે પાણી નીકળે છે એને “આબ-એ-ઝમઝમ” કહે છે. મુસ્લિમો એને સૌથી પવિત્ર જળ માને છે. એવું માનવામાં આવે છે કે આ કૂવો લગભગ ચાર હજાર વર્ષ જૂનો છે. ઉમરાહ અને હજ કરવા જતા યાત્રીઓ આ પાણીને સાથે લઈ જાય છે. ઘરે પરત ફરીને આ લોકો તેને તેમના સંબંધીઓમાં પણ વહેંચે છે. “આબ-એ-ઝમઝમ”ને એક પવિત્ર ભેટ પણ માનવામાં આવે છે.

સાઉદી અરેબિયાની સરકારે હજયાત્રીઓને લગેજમાં મક્કાથી પવિત્ર જળ “આબ-એ-ઝમઝમ”ને લઈ જવા પર પ્રતિબંધ લગાવ્યો છે. આ અંગે બુધવારે નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું હતું. ખાસ વાત એ છે કે નોટિફિકેશનમાં એ નથી જણાવવામાં આવ્યું કે આ પવિત્ર જળને લઈ જવા પર કેમ પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. એરલાઇન કંપનીઓને પણ “આબ-એ-ઝમઝમ” પર પ્રતિબંધના ર્નિણયનું ચુસ્તપણે પાલન કરવાનું કહેવામાં આવ્યું છે. જાે એમ નહીં કરે તો તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે.

પહેલાં દરેક હજયાત્રીને ૧૦ લિટર “આબ-એ-ઝમઝમ” લાવવાની છૂટ હતી. બાદમાં સાઉદી સરકારે તેને ઘટાડીને ૫ લિટર કરી દીધું. હવે એને લઈ જવા પર જ પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. સાઉદી જનરલ એવિએશન ઓથોરિટીએ આ સંબંધમાં સત્તાવાર સૂચના જારી કરી છે. એમાં જણાવાયું છે કે ભક્તો અને પ્રવાસીઓ એરપોર્ટથી પ્રસ્થાન સમયે આ પવિત્ર જળને ચેક-ઇન લગેજમાં લઈ જવા દેવામાં આવશે નહીં. આ ઓર્ડર પર એક્ઝિક્યૂટિવ વાઈસ-પ્રેસિડેન્ટ ફોર ઈકોમોનિક પોલિસીઝ એન્ડ ઈન્ટરનેશનલ કો-ઓપરેશન દ્વારા હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. તમામ નિયમોનું પાલન તમામ કોમર્શિયલ અને પ્રાઈવેટ એરલાઈન્સ કંપનીઓએ કરવું પડશે. આદેશ મુજબ સામાનમાં કોઈપણ પ્રકારનું પ્રવાહી (આબ-એ-ઝમઝમ સહિત) લઈ જઈ શકાશે નહીં. સૂચના અનુસાર, જેદ્દાહ અને સાઉદી અરેબિયાના અન્ય તમામ એરપોર્ટ પર હાજર સ્ટાફ કડક તપાસ કરશે કે કોઈ યાત્રી પાસે સામાનમાં આ પવિત્ર જળની કોઈ બોટલ નથી. આ સંદર્ભે એરલાઇન કંપનીઓને સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર પણ જારી કરવામાં આવ્યું છે.

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *