Safeer News

Breaking News from Ahmedabad

Uncategorized

અમદાવાદમાં ડેન્ગ્યુના ૧૬ દિવસમાં જ ૩૧૨ કેસ નોંધાયા

અમદાવાદ,તા.૨૧
ચાલુ ઓક્ટોબર માસ દરમિયાન શહેરના અલગ અલગ વિસ્તારોમાં મચ્છરજન્ય રોગો અને તેમના બ્રીડિંગ શોધવા માટે કવાયત હાથ ધરાઇ હતી, જેમાં સૌથી વધુ કોમર્શિયલ એકમો, બંધ પડેલા એકમો અને ઇન્સ્ટિટ્યૂટ જે અત્યારે બંધ છે એમાં મચ્છર વધારે બ્રીડિંગ કરે છે. આ એકમોની સાફસફાઈ રાખવામાં આવે એવું કહેવામાં આવ્યું છે. જાેકે આ કામગીરી માત્ર નામની કરવામાં આવી હોય એવું લાગી રહ્યું છે.

અમદાવાદ શહેરમાં ડેન્ગ્યુએ ભરડો લીધો છે. ગયા વર્ષે આખા વર્ષ દરમિયાન ડેન્ગ્યુના માત્ર ૪૩૨ કેસ નોંધાયા હતા, જ્યારે આ વર્ષે ફકત ૧૦ મહિનામાં ૧,૯૬૨ કેસ, એટલે કે ડેન્ગ્યુના કેસમાં પાંચ ગણો વધારો થયો છે. બીજી તરફ, શહેરમાં ચિકનગુનિયાના પણ ઘેર ઘેર કેસ જાેવા મળી રહ્યા છે. મ્યુનિ.ના આંકડા મુજબ, શહેરમાં ચાલુ મહિને ફકત ૧૨૩ ચિકનગુનિયાના કેસ નોંધાયા છે, જ્યારે સિવિલ, સોલા સિવિલ અને મ્યુનિ. સંચાલિત જુદી જુદી સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં એના કેસોની સંખ્યા ઘણી વધારે છે. ડેન્ગ્યુ મચ્છરજન્ય રોગ છે, એ ચેપી રોગ નથી. ડેન્ગ્યુ વાઈરસ ધરાવતા મચ્છરના કરડવાથી એનો ફેલાવો થતો હોય છે. તાવ આવે, ઠંડી લાગવી, માથાનો દુખાવો, આંખની હલનચલન કરતાં દુખે વગેરે જેવાં ડેન્ગ્યુનાં લક્ષણો છે. પાણીની ટાંકી, બાંધકામની સાઈટ, એરકૂલર વગેરે જેવી જગ્યાઓ પર મચ્છરોનો ઉપદ્રવ વધુ જાેવા મળતો હોય છે.

શહેરમાં ડેન્ગ્યુના કેસોમાં વધારો થતાં કોર્પોરેશનના આરોગ્ય વિભાગે ચાલુ મહિને ૪૩ હજારથી વધુ લોહીના નમૂનાની તપાસ કરી છે. આ ઉપરાંત ૨,૨૬૨ સીરમ સેમ્પલની પણ તપાસ કરવામાં આવી છે. શહેરમાં પાણીજન્ય રોગોએ પણ માઝા મૂકી છે. છેલ્લા ૧૦ મહિનામાં ઝાડા-ઊલટીના ૩,૦૦૧ કેસ સામે આવ્યા છે તેમજ કોલેરાના ૬૪ કેસ નોંધાયા છે. ચાલુ વર્ષે જુદા જુદા વિસ્તારોમાંથી પાણીનાં ૮,૨૦૯ સેમ્પલ તપાસ માટે લેબમાં મોકલાયાં હતાં. કોર્પોરેશનના આરોગ્ય વિભાગના હેલ્થ ઓફિસર ડો. ભાવિન સોલંકીના જણાવ્યા મુજબ, શહેરમાં ડેન્ગ્યુના કેસો ઘટયા છે. ચાલુ માસમાં ૧૬ જ દિવસમાં ૩૧૨ જ કેસો નોંધાયા છે, જે જાેતાં એના કેસો હાલમાં ઘટ્યા હોય એવું જણાય છે. ૧ ઓક્ટોબરથી ૧૬ ઓક્ટોબર સુધીના સમયગાળા દરમિયાન મચ્છરજન્ય રોગોમાં ડેન્ગ્યુના ૩૧૨, ચિકનગુનિયાના ૧૨૩, સાદા મલેરિયા ૪૫ કેસો, ઝેરી મલેરિયાના ૬ કેસ નોંધાયા છે. જ્યારે પાણીજન્ય રોગોમાં ટાઇફોઇડના ૮૬, ઝાડા-ઊલટીના ૨૧૩, કમળાના ૬૭ જેટલા કેસો નોંધાયા છે, જ્યારે શહેરના મોટા ભાગના વિસ્તારોમાં દવાખાનામાં સવાર-સાંજ દર્દીઓની લાઈનો જાેવા મળે છે. ખાસ કરીને તાવ, શરદી ઉધરસ સહિત અનેક રોગના દર્દીઓ વધી રહ્યા છે.

મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્રએ દાવો કર્યો છે કે મલેરિયા વિભાગની ૪૦૦ જેટલી ટીમ અને હેલ્થ વિભાગની ૩૦૦ ટીમ શહેરમાં મચ્છરજન્ય રોગોને કાબૂમાં લેવા મચ્છરના બ્રીડિંગ શોધી કાર્યવાહી કરી રહી છે. જાેકે હવે પાણીજન્ય કેસો શહેરમાં ફરી વધ્યા છે. કમળો અને ટાઈફોઈડના પણ કેસો વધ્યા છે.

LEAVE A RESPONSE

Your email address will not be published. Required fields are marked *